Mukhyamantri Gyan Sadhana Merit Scholarship Scheme: શિક્ષણ વિભાગ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક પ્રોત્સાહન પૂરું પાડતી 'મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના' (CGMS) હેઠળ ખાલી પડેલી બેઠકો ભરવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય પરીક્ષા બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હોવા છતાં ટેકનિકલ કારણોસર કે અન્ય રીતે રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ હવે પોતાની અરજી કરી શકશે.
કોણ અરજી કરી શકશે?
શિક્ષણ વિભાગની યાદી મુજબ, નીચે મુજબની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ આ તકનો લાભ લઈ શકશે:
આ પણ વાંચો
- જે વિદ્યાર્થીઓએ 12 એપ્રિલ 2025 ના રોજ લેવાયેલી રાજ્ય પરીક્ષા બોર્ડની પરીક્ષા આપી હોય અને ઉત્તીર્ણ થયા હોય.
- જેઓનો સમાવેશ પ્રથમ કામચલાઉ (Provisional) મેરીટ યાદીમાં થયો હોય.
- પરંતુ, જે વિદ્યાર્થીઓનું નામ પ્રથમ ફાઈનલ મેરીટ યાદીમાં નથી અને જેમનું રજીસ્ટ્રેશન કે ચોઈસ ફીલિંગ કરવાની કામગીરી બાકી રહી ગઈ હોય.
25,000 બેઠકોનું લક્ષ્ય
આ યોજના અંતર્ગત દર વર્ષે રાજ્યના 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. હાલમાં જે બેઠકો ખાલી રહી છે, તેના પર પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને શિક્ષણ વિભાગ મહત્તમ વિદ્યાર્થીઓ સુધી આ આર્થિક સહાય પહોંચાડવા માંગે છે.
કેવી રીતે અને ક્યાં અરજી કરવી?
પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓએ આગામી 15 જાન્યુઆરી 2026 સુધીમાં ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
- સત્તાવાર વેબસાઈટ: વિદ્યાર્થીઓ http://gssyguj.in પર જઈને રજીસ્ટ્રેશન કરી શકશે.
- જરૂરી દસ્તાવેજો: રજીસ્ટ્રેશન દરમિયાન નિયત કરવામાં આવેલા જરૂરી આધાર-પુરાવાઓ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે.
- માર્ગદર્શિકા: રજીસ્ટ્રેશન અને ચોઈસ ફીલિંગની વિગતવાર સૂચનાઓ પોર્ટલ પર ઉપલબ્ધ છે.
વાલીઓ અને વિદ્યાર્થીઓને અપીલ:
શિક્ષણ વિભાગે વાલીઓ અને વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો છે કે તેઓ સમયમર્યાદામાં અરજી પૂર્ણ કરે અને લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે સમયાંતરે પોર્ટલની મુલાકાત લેતા રહે. આ નિર્ણયથી આર્થિક રીતે નબળા પરંતુ તેજસ્વી વિદ્યાર્થીઓને તેમના શિક્ષણના માર્ગમાં મોટી રાહત મળશે.
