Swagat Online August 2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની અમેરિકા (US) અને કેનેડાની સફળ સત્તાવાર મુલાકાત પૂર્ણ કરીને ભારતમાં પગ મૂકતાં જ લોકકલ્યાણના કાર્યોમાં સક્રિયતા દર્શાવી છે. ગાંધીનગર પરત ફરતાની સાથે જ તેમણે ઓગસ્ટ-2026ના રાજ્ય કક્ષાના ‘સ્વાગત ઓનલાઈન’ (Swagat Online) કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને રાજ્યના સામાન્ય નાગરિકોની રજૂઆતો અને સમસ્યાઓનો ત્વરિત ઉકેલ લાવવા માટે વહીવટી તંત્રને કડક દિશા-નિર્દેશો આપ્યા હતા.
મહેસાણાના કડા ગામમાં ગૌચર જમીન પર ખનન સામે લાલ આંખ
રાજ્ય સ્વાગત દરમિયાન મહેસાણા જિલ્લાના કડા ગામમાં ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે થતા ખનનની ગંભીર ફરિયાદ મુખ્યમંત્રી સમક્ષ આવી હતી. આ મામલાને ગંભીરતાથી લઈને ભૂપેન્દ્ર પટેલે જિલ્લા વહીવટી તંત્ર અને 'કમિશનર જીઓલોજી એન્ડ માઈનિંગ' વિભાગને તાત્કાલિક અસરથી તપાસ હાથ ધરી ગેરકાયદે ખનન કરનારા તત્વો સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.
પાટણમાં આવાસ યોજનાના મકાનો ભાડે આપવા સામે કલેક્ટરને તપાસના આદેશ
બીજી એક મહત્ત્વની રજૂઆત પાટણ જિલ્લામાંથી આવી હતી, જેમાં સરકારી આવાસ યોજના હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારને ફાળવવામાં આવેલા મકાનો લાભાર્થીઓ દ્વારા ગેરકાયદેસર રીતે અન્ય લોકોને ભાડે આપી દેવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો હતો. આ બાબતની ગંભીર નોંધ લઈને મુખ્યમંત્રીશ્રીએ પાટણ જિલ્લા કલેક્ટરને તાત્કાલિક સ્થળ તપાસ કરીને ગેરરીતિ આચરનારાઓ સામે આકરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
એક જ દિવસમાં 5,300થી વધુ પ્રશ્નો અને રજૂઆતો પર કાર્યવાહી
દર મહિનાના ચોથા ગુરુવારે યોજાતા આ કાર્યક્રમમાં રાજ્યના ખૂણે-ખૂણેથી આવેલા અરજદારોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા. 171થી વધુ નાગરિકોએ ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય (CMO) ખાતે રૂબરૂ ઉપસ્થિત રહી રજૂઆત કરી હતી. ઓગસ્ટ મહિનામાં જિલ્લા સ્વાગતમાં 2,285 અને તાલુકા સ્વાગતમાં 3,028 અરજીઓ મળી હતી.
સમગ્ર રાજ્યમાંથી આવેલી કુલ 5,313 રજૂઆતો પર સંબંધિત વિભાગો દ્વારા સમયસર અને સંતોષકારક નિકાલ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ બેઠકમાં ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ગીર-સોમનાથ, સાબરકાંઠા અને વાવ-થરાદ સહિતના વિસ્તારોના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, ખાસ ફરજ પરના અધિકારીઓ ધીરજ પારેખ, રાકેશ વ્યાસ તેમજ તમામ જિલ્લાના કલેક્ટરો વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા.
