Vibrant Gujarat 2027: વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા એવમ્ પ્રમુખ આર.પી.પટેલના USA પ્રવાસ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત રાજ્યના અગ્ર મુખ્ય સચિવ એમ.કે.દાસની અમેરિકામાં વિશેષ ઉપસ્થિતિ દરમ્યાન વોશિંગ્ટન ડી.સી. ખાતે તારીખ 19 August 2026ના રોજ VUF USA Central Committee, VUF USA Chapter Chairmen, હોદ્દેદારઓ અને દાતાઓની મીટિંગ યોજાઇ હતી.
આ બેઠકમાં મુખ્યમંત્રીએ ભારત અને ગુજરાત સરકારની ઉપલબ્ધિઓ અને સમાજ સાથે સંબંધો અંગે ચર્ચા કરી હતી. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, લાંબા સમય સુધી ગુજરાત પાસે કંઈ જ હતું નહીં, લાઈટ- પાણીના પણ ઢગલાબંધ પ્રશ્નો હતા. ગુજરાતમાં ખૂબ જ કર્ફ્યું રહેતો. પહેલા વિદેશના ફંડથી ગામડાઓનો વિકાસ થતો, જ્યારે હવે બધુ જ બદલાઈ ગયું છે.
મારી વિનંતી છે કે, આપ બધા પણ ગિફ્ટ સિટીમાં રોકાણ કરો. અમેરિકા સાથે સાથે માદરે વતન ગુજરાતમાં પણ એક પગ રાખો. આ ઉપરાંત બેઠકમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી.પટેલે જણાવ્યું કે, પહેલા ગુજરાતીઓ તરીકે ગાંધીજી અને સરદાર પટેલની જોડી હતી. હવે નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી છે. જે દેશને નવી દિશા બતાવી રહી છે. ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા પછી દેખાય સરળ છે, પરંતુ ઘણા કઠીન નિર્ણય લીધા.
ઉલ્લેખનીય છે કે, આ મીટિંગમાં વૈશ્વિક સ્તરે ગુજરાતીઓનું ગૌરવ, દેશ-વિદેશમાં ભારતની વધતી પ્રતિષ્ઠા, ગુજરાતના હિતમાં લેવાઈ રહેલા મક્કમ નિર્ણયો તેમજ વિશેષરૂપે NRI મિત્રો સાથે વિચારોના આદાન-પ્રદાન અને સંસ્થાના વિઝન તથા મિશન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર બેઠક જગતજનની મા ઉમિયાના આશીર્વાદથી સફળતાપૂર્વક સંપન્ન થઈ.
