Vadodara: અકોટા ટાઉનશિપમાં SOGનો છાપો, રૂ.10 લાખથી વધુ ઈ-સિગારેટ ઝડપાઈ; સગીરની સંડોવણી

SOG ટીમે વડોદરાના અકોટા ટાઉનશીપમાંથી 10.20 લાખ રૂપિયાની પ્રતિબંધિત ચાઈના બનાવટની ઈ-સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો. આ કાર્યવાહીમાં એક સગીર ઝડપાયો જ્યારે બે મુખ્ય આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 21 Aug 2026 04:32 PM (IST)Updated: Fri, 21 Aug 2026 04:32 PM (IST)
vadodara-news-sog-police-busted-illegal-ecigarette-racket-in-akota-township

પ્રશાંત ગજ્જર, Vadodara News: વડોદરા શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસ પ્રશાસન દ્વારા ચાલી રહેલી કડક ઝુંબેશ અંતર્ગત શહેર SOG ટીમે મોટી કાર્યવાહી કરી છે. અકોટા ટાઉનશીપ વિસ્તારમાં આવેલા એક ભાડાના મકાનમાં દરોડો પાડીને પોલીસે ચાઈના બનાવટની પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે. પકડાયેલા આ જથ્થાની બજાર કિંમત અંદાજે 10.20 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે.

પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની ખાસ સૂચનાના પગલે SOGના PI બી.ડી. જીતીયા અને તેમની ટીમ શહેરમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન મળેલી બાતમીના આધારે અકોટા ટાઉનશીપના મકાન નંબર બી/99ના ત્રીજા માળે દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં સ્થળ પરથી પોલીસને અલગ-અલગ બ્રાન્ડ અને ફ્લેવરની કુલ 408 નંગ ચાઈના બનાવટની પ્રતિબંધિત ઈ-સિગારેટ મળી આવી હતી.

તપાસ દરમિયાન સ્થળ પરથી કાયદાના સંઘર્ષમાં આવેલા એક સગીર કિશોરને ઝડપી પાડવામાં આવ્યો છે. પૂછપરછમાં તેણે ખુલાસો કર્યો હતો કે, આ માલ સેફાન ઉર્ફે બાબા ઈકબાલ મેમણ અને અવેશ રફીક પટેલનો છે, અને તે તેઓની પાસે માસિક 5 હજાર રૂપિયાના પગારે નોકરી કરતો હતો. આ ગેરકાયદેસર ધંધામાં સંડોવાયેલા મુખ્ય બે શખ્સો પોલીસ પકડથી દૂર હોવાથી તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

વોન્ટેડ આરોપીઓમાં સેફાન ઉર્ફે બાબા ઈકબાલ મેમણ (રહે. બહાર કોલોની, આજવા રોડ, વડોદરા) અને અવેશ રફીક પટેલ (રહે. મહંમદવાડી, અકોટા, વડોદરા) નો સમાવેશ થાય છે. આ મામલે અકોટા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.