Gujarat Development Works: દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના નાગરિકોની સુવિધા અને સુખાકારી માટે શ્રેણીબદ્ધ મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. 'વિકસિત ભારત' અને 'હાઉસીંગ ફોર ઓલ'ના સંકલ્પને સાકાર કરવા માટે આ જાહેરાતમાં આવાસ, રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પોષણ અને શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
ગ્રામીણ પરિવારોને ઘરથાળના પ્લોટની ભેટ
મુખ્યમંત્રીએ ગ્રામીણ વિસ્તારોમાં વસતા જરૂરતમંદ પરિવારો માટે એક મોટો નિર્ણય લીધો છે. હવે રાજ્ય સરકાર પાત્રતા ધરાવતા ગ્રામીણ પરિવારોને આવાસ બનાવવા માટે વિનામૂલ્યે ઘરથાળના પ્લોટ આપશે. જો ગ્રામ પંચાયતો પાસે સરકારી પડતર કે ગૌચરની જમીન ઉપલબ્ધ નહીં હોય, તો સરકાર ખાનગી જમીન ખરીદીને પણ પરિવારોને વિનામૂલ્યે પ્લોટ ફાળવશે. આ નિર્ણયથી ગ્રામીણ વિસ્તારોમાં સૌને પોતાનું ઘર આપવાની પ્રતિબદ્ધતાને વેગ મળશે.
રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 3428 કરોડ ફાળવ્યા
રાજ્યમાં મજબૂત અને ગુણવત્તાયુક્ત રોડ નેટવર્ક પૂડું પાડવાની પ્રાથમિકતા સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 3428 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ અંતર્ગત R&B હસ્તકના 214 રસ્તાઓના 2010 કિલોમીટરના નવીનીકરણ અને સુધારણા કરવામાં આવશે. કોન્ટ્રાક્ટર માટે જાળવણી જવાબદારી 4 વર્ષથી વધારીને 8 થી 10 વર્ષની કરવામાં આવી છે. ભારે ટ્રાફિક ધરાવતા લાંબા સ્ટેટ હાઈવે માટે પરફોર્મન્સ બેઇઝ્ડ મેઈન્ટેનન્સ પદ્ધતિ અપનાવાશે.
આંગણવાડીના બાળકોના પોષણ માટે બજેટ
આંગણવાડીઓના 16 લાખથી વધુ બાળકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને પૂરક પોષક આહારના દરમાં 67 ટકાનો માતબર વધારો જાહેર કરવામાં આવ્યો છે. અગાઉ બાળક દીઠ રોજના 5 રૂપિયા 10 પૈસા આપવામાં આવતા હતા, જે હવે વધારીને સાડા આઠ રૂપિયા કરવામાં આવ્યા છે. આ માટે રાજ્ય સરકાર વધારાના 169 કરોડ રૂપિયાની ફાળવણી કરશે.
વિદેશ અભ્યાસ માટેની લોનમાં મોટી રાહત
બિન અનામત વર્ગના યુવાનો માટે પણ મુખ્યમંત્રીએ મહત્વની જાહેરાત કરી છે. ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઈચ્છતા યુવાનો માટે ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા અપાતી લોન માટેની વાર્ષિક આવક મર્યાદા 6 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવી છે. આ નિર્ણયથી આર્થિક રીતે નબળા મધ્યમ વર્ગના વધુ યુવાનોને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાની તક મળશે.
