144 વર્ષ બાદ ગીરના સિંહોની બરડામાં 'ઘર વાપસી': 17 સિંહો માટે બરડાનું જંગલ બન્યું નવું આશ્રયસ્થાન

144 વર્ષ પછી ગીરના એશિયાઇ સિંહોએ બરડા અભયારણ્યમાં વસવાટ કર્યો. PLOS One સંશોધન મુજબ 17 સિંહો માટે બરડાનું જંગલ બન્યું સુરક્ષિત આશ્રયસ્થાન.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 11 Oct 2026 12:04 PM (IST)Updated: Sun, 11 Oct 2026 12:04 PM (IST)
barda-wildlife-sanctuary-asiatic-lions-gir-new-home-plos-one-study-report-2026

Barda Wildlife Sanctuary: એશિયાઇ સિંહો વિશ્વમાં માત્ર ગીરનાં જંગલમાં જ જોવા મળે છે. જોકે, સિંહો તેના પરંપરાગત વિસ્તારની બહાર વિસ્તરી રહ્યાં છે. આવા સમયે, બરડાનું જંગલ એશિયાઇ સિંહો માટે એક નવુ ‘ઘર’ બન્યું છે. પોરબંદર અને દેવભૂમિ દ્વારા જિલ્લામાં પથરાયેલા બરડાનાં જંગલની ખડકાળ ટેકરીઓ સિંહોને માફક આવી ગઇ છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસ મુજબ, બરડા વન્યજીવ અભ્યારણ્ય સિંહોનાં લાંબા ગાળાના મહત્વપૂર્ણ આશ્રયસ્થાન તરીકે વિકસી શકે છે.

બરડો અભ્યારણ્ય વિવિધતાઓથી ભરપૂર

સૌરાષ્ટ્રમાં આવેલું બરડા વન્યજીવ અભ્યારણ્ય 192.31 ચોરસ કિ.મી. વિસ્તારમાં ફેલાયેલું છે અને તેનો મોટો હિસ્સો પોરબંદર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલો છે. આ અભ્યારણ્ય વનસ્પતિની અસાધારણ વિવિધતા ધરાવે છે અને અહીં અનેક પ્રકારની ઔષધીય વનસ્પતિઓ જોવા મળે છે, જેમાં પર્યાવરણીય તથા સંરક્ષણની દૃષ્ટિએ મહત્વપૂર્ણ પ્રજાતિઓનો પણ સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશે વન્યજીવોના સંરક્ષણ અને રક્ષણ માટેના પ્રયાસોને વધુ વેગ આપ્યો છે.

સિંહ સંરક્ષણ માટે લેવાયા અનેક પગલાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં ગીરનાં સિંહોનાં સંરક્ષણ માટે અનેક પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી દ્વારા બરડા જંગલમાં વસતા માલધારીઓ માટે એક પુન:વસન યોજના જાહેર કરવામાં આવી છે અને બરડાનું જગંલ સિંહો માટે સુરક્ષિત નવુ ઘર બન્યું છે. તાજેતરમાં થયેલા અભ્યાસ અનુસાર, બરડાનાં જંગલમાં સિંહોને લાંબાગાળા સુંધી ટકાવી રાખવા માટે જરૂરી આવાસ, પૂરતો શિકાર અને અનુકૂળ પર્યાવરણીય પરિસ્થિતિઓ ઉપલબ્ધ છે.

નિષ્ણાંતો અને સંશોધકોએ અભ્યાસ કર્યો

“Beyond Gir: Barda Wildlife Sanctuary as a Potential Stronghold for Asiatic Lions” શીર્ષક ધરાવતો આ અભ્યાસ PLOS Oneમાં પ્રકાશિત થયો છે. ગુજરાત વન વિભાગનાં મોહન રામ (IFS), આરાધના સાહુ (IFS), નિત્યાનંદ શ્રીવાસ્તવ (IFS), રોહિત ચૌધરી, લહર ઝાલા અને યશપાલ ઝાલા તથા બાંદા યુનિવર્સિટી ઑફ એગ્રીકલ્ચર એન્ડ ટેક્નોલોજીના સંશોધકોએ આ અભ્યાસ હાથ ધર્યો હતો. આ અભ્યાસમાં આશરે 144 વર્ષનાં અંતરાય બાદ બરડાનાં જંગલમાં ફરી પાછી ફરેલા સિંહોના વિસ્તારના ઉપયોગ, આવાસની પસંદગી અને આહારનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

144 વર્ષ બાદ સિંહોએ કુદરતી રીતે બરડામાં ફરી વસવાટ કર્યો

આશરે 144 વર્ષ બાદ સિંહોએ કુદરતી રીતે બરડામાં ફરી વસવાટ કર્યો હતો. શરૂઆતમાં એક નર સિંહ અહીં આવ્યો હતો અને ત્યારબાદ ગુજરાત વન વિભાગ દ્વારા પાંચ માદા સિંહોને અહીં લાવવામાં આવ્યા હતા. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, “એશિયાઇ સિંહોના સંરક્ષણની દૃષ્ટિએ આ ખૂબ જ મહત્વપૂર્ણ સંશોધન છે. હવે સિંહોની વસતી માત્ર ગીરનાં જંગલમાં પૂરતી સીમિત રહી નથી. ગીરનાં દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાંથી વિખેરાઈને આવતા સિંહો માટે બરડાનું જંગલ બીજુ ઘર બન્યું છે. આ વૈજ્ઞાનિક અભ્યાસનાં તારણો તેનું પરિણામ છે.

રાજ્ય સરકાર સિંહ સંરક્ષણ માટે પ્રતિબદ્ધ: અર્જુન મોઢવાડિયા

વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર ગુજરાતમાં એશિયાઇ સિંહોના સંરક્ષણ માટે પ્રતિબદ્ધ છે અને સિંહોના લાંબા ગાળાના અસ્તિત્વ માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યાં છે.

વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવિણ માળીએ જણાવ્યું કે, “ફ્રન્ટલાઇન સ્ટાફની ખાલી જગ્યાઓને પ્રાથમિકતાના ધોરણે ભરવામાં આવી છે. સિંહોની હિલચાલ અને આરોગ્ય પર દૈનિક નજર રાખવા માટે આઠ પૂર્ણકાલીન સિંહ ટ્રેકરો તૈનાત કરવામાં આવ્યા છે. માનવ-વન્યજીવ સંઘર્ષની પરિસ્થિતિનો સામનો કરવા માટે ઝડપી પ્રતિસાદ વ્યવસ્થાને પણ વધુ મજબૂત બનાવવામાં આવી છે.”

બરડાનાં જંગલમાં સિંહોની ‘ઘર વાપસી’

જૂનાગઢ વન વર્તુળનાં વન સંરક્ષક અને અભ્યાસના એક લેખક મોહન રામે (IFS) જણાવ્યું કે, “બરડા વન્યજીવ અભયારણ્યમાં હાલમાં 17 સિંહો છે. સંશોધન માટે છ સિંહો—એક નર અને પાંચ માદા—ને રેડિયો-કોલર કરવામાં આવ્યા હતા. જાન્યુઆરી 2023થી જુલાઈ 2025 દરમિયાન તેમના 1.69 લાખથી વધુ GPS લોકેશન મેળવવામાં આવ્યા હતા. તારણો દર્શાવે છે કે, સિંહો બરડાનાં જંગલોમાં ઘાસિયા વિસ્તારોનો સક્રિયપણે ઉપયોગ કરે છે. સિંહો પોતાની હોમ રેન્જ સ્થાપિત કરી રહ્યા છે અને સામાજિક જોડાણો વિકસાવી રહ્યા છે.”

સિંહોના લાંબા ગાળાના સંરક્ષણ માટેનું આયોજન

અધિક મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) ડૉ. જયપાલ સિંહે જણાવ્યું કે, “સિંહો માટે પ્રે બેઝ (શિકાર) તૈયાર કરવા પર વન વિભાગ ધ્યાન કેન્દ્રિત કરે છે. વર્ષ 2025–26 દરમિયાન ગીર વન્યજીવ અભ્યારણ્યમાંથી 441 ચિતલને બરડાનાં જંગલમાં છોડ઼વામાં આવ્યા હતા,’’. વર્ષ 2007થી લઇ અત્યાર સુંધી મોટા પ્રમાણમાં ચિતલને બરડાનાં જંગલમાં છોડવામાં આવ્યા છે. આ ઉપરાંત, સાંબરનું પણ સંવર્ધન કરીને તેને જંગલમાં છોડવામાં આવે છે.

બરડા ઇકો-ટૂરિઝમથી સ્થાનિકો માટે રોજગારીની નવી તકો

બરડા વન્યજીવ અભ્યારણ્યમાં ઇકો-ટૂરિઝમની પહેલ થકી સ્થાનિક લોકોને રોજગારીની તકો ઉભી થઇ છે. જૂનાગઢ (વન્યજીવ) વર્તુળનાં વન સંરક્ષક ડો. રામ રતન નાલા (IFS)એ જણાવ્યું કે, “અમે વર્ષ 2024માં બરડા અભ્યારણ્યમાં ઇકો-ટૂરિઝમ શરૂ કર્યું હતું, જેના પરિણામે સ્થાનિક રહેવાસીઓ માટે નેચર ગાઇડ અને સફારી ઓપરેટર તરીકે તકો ઊભી થઈ છે.”

આ પહેલને પગલે પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. બરડા વન્યજીવ અભ્યારણ્યમાં પ્રથમ વર્ષે 2,271 પ્રવાસીઓ આવ્યા હતા, જ્યારે 2025–26માં આ સંખ્યા વધીને 3,359 થઈ હતી, જે 48 ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે.