Bagdana Controversy: ભાવનગર જિલ્લાના બગદાણામાં બનેલી ઘટના અને રાજ્યમાં કોળી સમાજના આગેવાનો પર થઈ રહેલા હુમલાઓના મુદ્દે આજે ગાંધીનગરમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. કોળી સમાજના કદાવર નેતા પરષોત્તમ સોલંકીની આગેવાનીમાં સમાજના ધારાસભ્યો અને આગેવાનોના એક પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી નિવાસસ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ખાસ બેઠક યોજી હતી.
ન્યાય માટે એકઠું થયું પ્રતિનિધિ મંડળ
આ પણ વાંચો
આ બેઠકમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, પરષોત્તમ સોલંકી તેમજ સૌરાષ્ટ્રના કોળી સમાજના ધારાસભ્યો, સાંસદો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પણ આ ન્યાયની લડતમાં જોડાયા હતા અને મુખ્યમંત્રી સમક્ષ સમાજની રજૂઆતો મૂકી હતી.
સમાજ પર થતા અત્યાચારો અંગે રજૂઆત
બેઠક બાદ મીડિયા સાથે વાતચીત કરતા બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું કે, પરષોત્તમભાઈ સોલંકીની આગેવાનીમાં અમે મુખ્યમંત્રીને મળીને વિવિધ જિલ્લાઓમાં કોળી સમાજ પર થઈ રહેલા અત્યાચારો અને જીવલેણ હુમલાઓ અંગે ધ્યાન દોર્યું છે. તેમણે ખાસ કરીને મહુવામાં કોળી સમાજના આગેવાન નીતિનભાઈ પર થયેલા જીવલેણ હુમલાનો ઉલ્લેખ કર્યો હતો.
મુખ્ય માંગણીઓ:
- કડક કાર્યવાહી: કોળી સમાજના વ્યક્તિઓ કે આગેવાનો પર હુમલો કરનાર અસામાજિક તત્વો સામે દાખલારૂપ અને કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
- સુરક્ષાની ખાતરી: ભવિષ્યમાં ગુજરાતના કોઈપણ જિલ્લામાં સમાજના કોઈ પણ વ્યક્તિ પર આવા હુમલા ન થાય તે માટે સરકાર દ્વારા ચુસ્ત પગલાં લેવામાં આવે.
- ન્યાયની માંગ: બગદાણાની ઘટનામાં ભોગ બનનાર યુવકને સત્વરે ન્યાય મળે તેવી રજૂઆત કરવામાં આવી છે.
મુખ્યમંત્રીએ આ રજૂઆતોને ગંભીરતાથી સાંભળી હતી અને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે. આ બેઠકથી કોળી સમાજમાં વ્યાપેલો રોષ શાંત પાડવા અને સરકાર દ્વારા સુરક્ષાનો વિશ્વાસ અપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
