NIDના ઇન્ક્યુબેશન એન્ડ ઇનોવેશન સેન્ટરનું લોકાર્પણ, અમિત શાહે કહ્યું- દરેક ક્ષેત્રમાં ડિઝાઇનનું વિસ્તરણ અત્યંત અનિવાર્ય

ક્રિકેટમાં IPLની જેમ ડિઝાઇન ક્ષેત્રે પણ પ્રતિભાઓને આર્થિક-વ્યાવસાયિક પ્લેટફોર્મ પૂરું પાડવા NIDમાં નવો વિભાગ શરૂ કરવા અમિત શાહ દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 17 May 2026 04:30 PM (IST)Updated: Sun, 17 May 2026 04:30 PM (IST)
amit-shah-inaugurates-nid-incubation-and-innovation-center-in-gandhinagar

Gandhinagar News: ગાંધીનગર સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID) ખાતે નવનિર્મિત ‘ઇન્ક્યુબેશન એન્ડ ઇનોવેશન સેન્ટર’નું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કેન્દ્રીય વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ગરિમામય ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું. અમિત શાહે જણાવ્યું હતુ કે, યુવાનોમાં રહેલી ડિઝાઇન ક્ષેત્રની ક્ષમતાને શોધીને તેને કારકિર્દીલક્ષી બનાવવીએ આજના સમયની તાતી જરૂરીયાત છે. હાઇ-ટેક સેક્ટર, સેમિકન્ડક્ટર, ચીપ ડિઝાઇનથી લઈ સમાજના દરેક ક્ષેત્રમાં ડિઝાઇનનું વિસ્તરણ અત્યંત અનિવાર્ય છે.

અમિત શાહે ગાંધીનગર કેમ્પસની મુલાકાત લીધી

નવનિર્મિત ઇન્ક્યુબેશન એન્ડ ઇનોવેશન સેન્ટરનું લોકાર્પણ કર્યા બાદ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID), ગાંધીનગર કેમ્પસની મુલાકાત પણ લીધી હતી. તેમણે NIDની સમગ્ર ટીમ, પ્રોફેસર્સ તથા દેશનું ભવિષ્ય એવા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે અનેક-અનેક શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું હતું કે, NID એ રચનાત્મકતા, ઇનોવેશન અને ઉદ્યોગસાહસિકતાને એક તાંતણે બાંધતી દેશની અગ્રણી સંસ્થા છે.

વર્ષ 1961માં અમદાવાદમાં NIDની સ્થાપનાના ઐતિહાસિક ઉદ્દેશ્ય અંગે વાત કરતા અમિત શાહે જણાવ્યું કે, સામાન્ય રીતે ગુજરાતીઓ વ્યાપાર-રોજગાર સાથે જોડાયેલા હોવાની છાપ ધરાવે છે, છતાં ગુજરાતમાં NIDની સ્થાપના પાછળનો મુખ્ય હેતુ એ જ હશે કે દરેક વ્યક્તિમાં રહેલા આંતરિક ડિઝાઇનના સંસ્કાર અને ક્ષમતાને એક મજબૂત પ્લેટફોર્મ આપી સમાજ સમક્ષ લાવી શકાય. ડિઝાઇન એ માત્ર કળા કે કોઈ વસ્તુની આકર્ષક રજૂઆત પૂરતી સીમિત નથી, પરંતુ તે જગ્યાનો શ્રેષ્ઠ ઉપયોગ અને લોકઉપયોગિતા વધારવાનું વિજ્ઞાન છે.

naidunia_image

ક્રિકેટનું ઉદાહરણ આપી ગૃહમંત્રીએ ભૂતકાળના સંસ્મરણો વાગોળ્યા

ક્રિકેટના ક્ષેત્રનું ઉદાહરણ આપતા કેન્દ્રીય ગૃહમંત્રીએ ભૂતકાળના સંસ્મરણો વાગોળ્યા હતા. તેમણે કહ્યું કે, ભૂતકાળમાં સુનીલ ગાવસ્કર જેવા મહાન ખેલાડીઓને પણ ટેસ્ટ મેચ દીઠ ખૂબ ઓછું વળતર મળતું, જેના કારણે માતા-પિતા બાળકોને ક્રિકેટ રમતા રોકતા હતા. પરંતુ આઇપીએલ (IPL) આવ્યા પછી ક્રિકેટ એક શાનદાર કરિયર બની ગયું છે. NID અને ડિઝાઇન ક્ષેત્રે પણ આ જ પ્રકારના વ્યાવસાયિક ક્ષમતાને સંપૂર્ણ બહાર લાવવાની જરૂર છે. દેશના પ્રતિભાવંત ડિઝાઇનર્સને યોગ્ય પ્લેટફોર્મ અને વળતર મળવું જ જોઈએ જેથી મધ્યમ વર્ગના યુવાનો પણ આ ક્ષેત્રને કરિયર તરીકે સ્વીકારવામાં ખચકાય નહીં.

સંસ્થામાં પ્રદર્શન દરમિયાન ભારતીય ડિઝાઇનર નિતિન બોસ દ્વારા ડિઝાઇન કરાયેલી ગાડીઓનો ઉલ્લેખ કરતા ગૃહમંત્રીએ જણાવ્યું કે, આપણા દેશમાં ટેલેન્ટની કોઈ કમી નથી. જો આ જ ડિઝાઇન જાપાનના કોઈ ડિઝાઇનરે કરી હોત તો તેને મળનાર વૈશ્વિક એક્સપોઝર અલગ સ્તરનું હોત. આ ખાઈને પૂરવા માટે તેમણે NID મેનેજમેન્ટને સૂચન કર્યું કે, સંસ્થામાં ડિઝાઇનર્સની સાથે સાથે તેમના કામનું વ્યાવસાયિકીકરણ કરી શકે તેવા નિષ્ણાતોનું એક અલગ વિભાગ શરૂ કરવો જોઈએ, જેને લીધે વિદ્યાર્થીઓને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે.

ડિઝાઇનનું વિસ્તરણ સોસાયટીના દરેક ક્ષેત્રમાં થવું જરૂરી

વર્ષ 1982માં પોતાની પાટણ મુલાકાતના અનુભવને યાદ કરતા અમિત શાહે ‘પાટણના પટોળા’ની ડિઝાઇન પાછળ રહેલા ગહન વૈજ્ઞાનિક અભિગમ અને કલર કોમ્બિનેશનની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે આ આપણો ભવ્ય વારસો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આજે ડિઝાઇનનું વિસ્તરણ સોસાયટીના દરેક ક્ષેત્રમાં થવું જરૂરી છે. પછી ભલે તે કોઈ મોટો ઇન્ડસ્ટ્રિયલ પાર્ક હોય કે સેમિકન્ડક્ટર અને ચીપ ડિઝાઇન જેવું હાઇ-ટેક સેક્ટર હોય; દરેક ક્ષેત્રમાં ડિઝાઇન અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

મુખ્યમંત્રી ભૂપન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, એકવીસમી સદીમાં ક્રિએટીવિટી, ઈનોવેશન અને ડિઝાઇનથી જ રાષ્ટ્ર વૈશ્વિક પ્રતિસ્પર્ધામાં આગળ વઘી શકે છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે, NID વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશિતાથી ભારતની સર્જનાત્મકતાનું જીવંત પ્રતીક બની છે. મુખ્યમંત્રીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના સંસદીય મતક્ષેત્ર ગાંધીનગરમાં કાર્યરત NIDમાં શરૂ થયેલું આ ઇન્ક્યુબેશન અને ઇનોવેશન સેન્ટર એક નવો માઈલસ્ટોન બનવાની સાથે ડિઝાઇનર્સને પણ પ્રોત્સાહન આપશે.

naidunia_image

NID યુવાનો માટે માત્ર એક સંસ્થા નહિ,પરંતુ ગ્લોબલ બ્રાન્ડઃ મુખ્યમંત્રી

વડાપ્રધાનના વિઝનથી હવે ડિઝાઇન માત્ર એક વિષય જ નહિ, પરંતુ ‘મેક ઇન ઇન્ડિયા’, ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વિકસિત ભારત’ જેવા અભિયાનનું અમૂલ્ય અંગ છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ NIDના પ્રત્યેક વિદ્યાર્થીને ઇનોવેટર ગણાવતાં કહ્યું કે, આજે NID યુવાનો માટે માત્ર એક સંસ્થા નહિ,પરંતુ ગ્લોબલ બ્રાન્ડ બની છે અને અહીંના વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને આધુનિકતાના સમન્વયથી દુનિયાને નવી દિશા આપી રહ્યા છે, માટે આ નવનર્મિત ઇન્ક્યુબેશન અને ઇનોવેશન સેન્ટર યોગ્ય સ્થળે યોગ્ય પ્રકલ્પ સાબિત થશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર યુવા શક્તિના ટેલેન્ટ, ઇનોવેશન અને ક્રિએટિવિટીને પ્રોત્સાહન આપવા માટે હરહંમેશ પ્રતિબદ્ધ છે. એટલું જ નહિ, રાજ્યના નાગરિકોના ડી.એન.એ.માં જ ઉદ્યમ અને સાહસિકતા હોવાથી ગુજરાતમાં આજે 16 હજાર સ્ટાર્ટઅપ કાર્યરત છે. આના કારણે રાજ્યને ‘બેસ્ટ પરફોર્મર સ્ટેટ’નો એવોર્ડ મળ્યો છે. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગવા વિઝનથી દેશની શૈક્ષણિક સંસ્થાઓ એક્સેલન્સ અને ઇનોવેશનનું હબ બની છે. આ તકે તેમણે વિશેષ પ્રસંગ ટાંકતા જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકેનો પદભાર સંભાળતાની સાથે જ સંસદમાં સૌથી પહેલું બિલ ‘નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ડિઝાઇન એક્ટ, 2014’ પસાર કરાવ્યું હતું, આ ઐતિહાસિક બિલના કારણે N.I.D.ને ‘ઇન્સ્ટીટ્યૂટ ઑફ નેશનલ ઇમ્પોર્ટેન્સ’નો દરજ્જો મળ્યો હતો.

તેમણે કહ્યું કે, વડાપ્રધાનના માર્ગદર્શનમાં NIDને મજબૂત સંસ્થાકીય માળખું પ્રાપ્ત થયું છે. 2000માં NIDમાં માત્ર 35 સ્ટુડન્ટ ગ્રેજુએશન કરી રહ્યા હતા, જ્યારે 2025માં આ સંખ્યા વધીને 400થી વધુ થઈ છે. વડાપ્રધાનએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી ‘ડિઝાઇન ઇન ઇન્ડિયા, ડિઝાઇન ફોર ધ વર્લ્ડ’નો મંત્ર આપ્યો હતો, તે અનુસાર તેમણે ભારતને દુનિયાનું ડિઝાઇન હબ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે તેનો પણ મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો.

મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનએ 21મી સદીના ‘ડિકેડ’ને ભારતનો ‘ટેકેડ’ બનાવવાનો સંકલ્પ કરીને તેમાં યુવા શક્તિને જોડવા માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોગ્રામ લૉન્ચ કર્યો છે. આ કાર્યક્રમ હવે રિવોલ્યુશન બન્યો છે. એક દશક પહેલા દેશમાં માત્ર 500થી પણ ઓછા સ્ટાર્ટઅપ હતો તે વધીને આજે લગભગ 2 લાખ સ્ટાર્ટઅપ્સ કાર્યરત થયા છે. N.I.D.નું આ ઇન્ક્યુબેશન અને ઇનોવેશન સેન્ટર ‘ચિપથી લઈને શિપ સુધી’ની ડિઝાઇનના નિર્માણમાં મહત્વપૂર્ણ માધ્યમ બનશે એવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

છેવાડાના યુવાનો પણ વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા સજ્જ બન્યા

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગાંધીનગર સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID) ખાતે નવા ઈન્ક્યુબેશન અને ઈનોવેશન સેન્ટરના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ભારત આજે આત્મવિશ્વાસ સાથે વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે. દેશના સર્વાંગી વિકાસ માટે ઈનોવેશન, ડિઝાઇન થીંકિંગ અને આંત્રપ્રિન્યોરશિપ એ 'વિકસિત ભારત 2047' ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટેના મુખ્ય સ્તંભો છે. ભારત આજે વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવે છે અને ડિજિટલ કનેક્ટિવિટીના માધ્યમથી છેવાડાના યુવાનો પણ વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા સજ્જ બન્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના 'ગુજરાત મોડેલ'ની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે, વિકાસ અને વિરાસતના સમન્વયથી આજે સમગ્ર દેશ પ્રગતિ કરી રહ્યો છે. તેમણે જણાવ્યું કે ભારતનો ઇતિહાસ પ્રાચીન સમયથી જ સ્થાપત્ય, વાસ્તુશાસ્ત્ર અને વિજ્ઞાનના ક્ષેત્રમાં અદ્યતન રહ્યો છે. દિલ્હીના કુતુબ મિનાર પાસેનો આયર્ન પિલર તેનું જીવંત ઉદાહરણ છે જે સદીઓ પછી પણ કાટમુક્ત રહ્યો છે. આ વારસાને આગળ ધપાવતા, વર્તમાન સરકારે મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવા અભિયાનો દ્વારા યુવાનોને રોજગાર શોધનારાને બદલે રોજગાર આપનારા બનાવ્યા છે.

ડિઝાઇન માનવીના જીવનને સરળ બનાવવાનું માધ્યમ

નવા સેન્ટરના મહત્વ પર ભાર મુકતા પીયૂષ ગોયલે જણાવ્યું કે ડિઝાઇન માત્ર સૌંદર્ય પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે સામાન્ય માનવીના જીવનને સરળ બનાવવાનું માધ્યમ છે. તેમણે NIDના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ મહિન્દ્રાની ઇલેક્ટ્રિક કારની ડિઝાઇન અને અન્ય ઈનોવેટિવ પ્રોડક્ટ્સની મુલાકાત લીધી હતી અને સૂચન કર્યું હતું કે શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગો અને વિદ્યાર્થીઓ વચ્ચેનું જોડાણ મજબૂત બનવું જોઈએ. આ સેન્ટર માત્ર શૈક્ષણિક અભ્યાસક્રમ પૂરતું મર્યાદિત ન રહીને યુવાનોના વિચારોને વ્યવસાયિક રીતે સફળ બનાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડશે.

naidunia_image

મંત્રીએ યુવા પેઢીને ત્રણ મુખ્ય આહવાન કર્યા હતા જેમાં ડ્રીમ બિગ, ડિઝાઇન બોલ્ડ, એટલે કે મોટા લક્ષ્યો રાખવા અને હિંમતપૂર્વક ડિઝાઈનિંગ કરવું, વિશ્વ માટે ડિઝાઈન તૈયાર કરવી એટલેકે સેમિકન્ડક્ટર, AI અને સ્પેસ ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવું), અને વોકલ ફોર લોકલના મંત્રને અપનાવી સ્થાનિક કારીગરો અને હસ્તકલાને પ્રોત્સાહન આપવું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ ઈનોવેશન સેન્ટર આવનારા સમયમાં દેશના ટાયર-૨ અને ટાયર-૩ શહેરો સુધી આધુનિકતા અને પરંપરાનો સંદેશ પહોંચાડીને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવશે.

ટૂંક સમયમાં છઠ્ઠું NID પણ શરૂ થશે

એન.આઇ.ડી.ની ગવર્નીગ કાઉન્સિલના અધ્યક્ષ જયપ્રકાશ શિવહરેએ સૌને આવકારી સ્વાગત ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, વર્ષ 1961માં સ્થાપિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID) ને 2014 પછી 'ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ'નો દરજ્જો મળતાં જ ઉદ્યોગ જગતમાં તેનું યોગદાન ખૂબ ઝડપથી વધ્યું છે. હાલમાં દેશમાં પાંચ NID કાર્યરત છે અને આ વર્ષના બજેટમાં પૂર્વ ભારતમાં નવી સંસ્થાની જાહેરાત સાથે ટૂંક સમયમાં છઠ્ઠું NID પણ શરૂ થશે.

તેમણે કહ્યું હતું કે, NID માત્ર સુંદરતા (એસ્થેટિક્સ) પૂરતું સીમિત નથી, પરંતુ અર્બન ડિઝાઇન, ટ્રાન્સપોર્ટ અને અન્ય ક્ષેત્રોની વ્યવહારિક સમસ્યાઓ ઉકેલીને ઉદ્યોગોની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પ્રસંગે નવનિર્મિત 'ઇન્ક્યુબેશન સેન્ટર'નું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું, જે દેશના 2 લાખથી વધુ સ્ટાર્ટ-અપ્સને તેમના વિચારોને સાકાર કરવા, ઉદ્યોગો સાથે જોડાવા અને નિકાસ ક્ષમતા વધારવા માટે એક સક્ષમ પ્લેટફોર્મ પૂરું પાડશે. માનનીય વડાપ્રધાનના 'ડિઝાઇન ઇન ઇન્ડિયા, ડિઝાઇન ફોર ધ વર્લ્ડ' વિઝન હેઠળ અને વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રીના માર્ગદર્શનમાં ઉદ્યોગો સાથે બહેતર જોડાણ ઊભું કરવાના સચોટ પ્રયાસો થઈ રહ્યા છે, જેમાં આવા ઇન્ક્યુબેશન સેન્ટર્સ ઉદ્યોગો માટે એક મહત્વપૂર્ણ સપોર્ટ સિસ્ટમ સાબિત થશે.

NIDના ડાયરેક્ટર ડો. અશોક મંડલે જણાવ્યું હતું કે,એન.આઇ.ડી દ્વારા સસ્ટેનેબલ પેકેજીંગ માટેના મહાનુભાવોના સૂચનોને ધ્યાનમાં લઈને સોમનાથ અને અંબાજી જેવા મહત્વના તીર્થ સ્થાનો માટે સસ્ટેનેબલ પેકેજીંગ તૈયાર કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આમંત્રિત મહાનુભાવો, NIDના શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.