Amit Shah Gujarat Visit: ગાંધીનગરના દરેક ગામમાં 2029 સુધીમાં એક પુસ્તકાલય, બગીચો અને સુંદર મનોરંજન સ્થળો ઉપલબ્ધ થશે

દરેક ગામમાં લાઇબ્રેરીના નિર્માણથી ગામના યુવાનોને ખોટી આદતોથી બચાવી અને વાંચનથી વ્યક્તિત્વના વિકાસની દિશામાં પરિવર્તિત કરશે: અમિત શાહ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 29 May 2026 07:40 AM (IST)Updated: Fri, 29 May 2026 07:40 AM (IST)
amit-shah-gujarat-visit-every-village-in-gandhinagar-have-library-garden-and-beautiful-recreational-facilities-by-2029
HIGHLIGHTS
  • ગાંધીનગર જિલ્લામાં રૂ.1200 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો જશ મુખ્યમંત્રીને: અમિત શાહ

Amit Shah Gujarat Visit: આજરોજ ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સોનીપુર ગામ ખાતેના તળાવનું ખાતમુહર્ત તેમજ કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભાના વિવિધ કામોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે અમિત શાહે સંબોધન કરતાં જણાવ્યું કે, ટૂંક સમય પહેલા જ કલોલ તેમજ ગાંધીનગરમાં રૂ.900 કરોડના કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહર્ત થયું હતું. આજે થોડાક દિવસની અંદર જે રૂ.340 કરોડના અન્ય વિવિધ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહર્ત થયા છે. અર્થાત્ કુલ મળીને ગાંધીનગર જિલ્લાની 2 વિધાનસભામાં રૂ.1200 કરોડના લોકાર્પણ અને ખાતમુહર્ત થયા છે અને તેનો સંપૂર્ણ જશ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જાય છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસનો જે ચીલો ચાતર્યો તેમાં કરોડો રૂપિયાની કોઈ મોટી વાત જ નથી રહી. તેઓએ કહ્યું કે, દરેક ગામ આત્મનિર્ભર અને સુવિધાયુક્ત હોવું જોઈએ અને દરેક વ્યક્તિને સારું જીવન જીવવાનો અધિકાર મળવો જોઈએ. નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભાજપા સરકારે સુનિશ્ચિત કર્યું છે. ગામની અંદર શાળા, શાળામાં શિક્ષક, આરોગ્ય, સ્વચ્છતાની સાથે સાથે 2029 સુધીમાં ગાંધીનગર લોકસભાની બંને વિધાનસભાઓમાં દરેક ગામની અંદર બગીચો તેમજ તળાવ પણ નિર્માણ પામી જશે તેવો વિશ્વાસ પણ અમિત શાહે વ્યક્ત કર્યો હતો.

દરેક ગામમાં લાઇબ્રેરીના નિર્માણથી ગામના યુવાનોને ખોટી આદતોથી બચાવી અને વાંચનથી વ્યક્તિત્વના વિકાસની દિશામાં પરિવર્તિત કરશે. ગામના નાગરિકો અને બાળકોના વાંચન માટે ગાંધીનગરની મેગા લાઇબ્રેરી સાથે જોડાણ કરવામાં આવશે અને પુસ્તકો ગામ સુધી પહોંચાડાશે જેથી કોઈપણ વ્યક્તિ પુસ્તક સરળતાથી ગામની અંદર જ વાંચી શકશે.

વ્યક્તિત્વના વિકાસ માટે રમતગમત, વાંચન અને ગામમાં સુંદર સ્થાન મહત્વનું સાર્થક સાબિત થાય છે. ગામમાં સ્વચ્છતા, વુક્ષારોપણ, બગીચા તેમજ તળાવ નિર્માણની તમામ દિશામાં રાજ્યની ભાજપા સરકારે સમાંતર કાર્ય કર્યું છે.

અમિત શાહે વીર સાવરકરની જન્મજયંતી નિમિતે વંદન કરી કહ્યું કે, વીર સાવરકર જેવા રાષ્ટ્રભક્તને સરકારના સન્માનની જરૂર નહોતી, દેશપ્રેમ જ તેમનું સૌથી મોટું ગૌરવ હતું. આજે સમગ્ર દેશનો વ્યક્તિ વિનાયક દામોદર સાવરકરજી કહીને નહીં બલ્કે “વીર સાવરકરજી” કહીને યાદ કરે છે.

વીર સાવરકરનું '1857 સ્વાતંત્ર્ય સંગ્રામ' વિશ્વનું એકમાત્ર પુસ્તક, જેના પર અંગ્રેજોએ પ્રતિબંધ લગાવ્યો

વીર સાવરકરે અંગ્રેજોના શાસનમાંથી ભારત માતાને આઝાદ કરવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. આઝાદીના આંદોલનમાં સમગ્ર દેશમાં એક માત્ર સૈનિક અને નેતા એવા હતા જેમને એક જન્મમાં 2 જન્મટિપની સજા મળી હતી. અંગ્રેજો 1857 સંગ્રામને વિદ્રોહ બતાવતા હતા તે સમયે વીર સાવરકરજીએ “1857 સ્વાતંત્ર્ય સંગ્રામ” નામનું પુસ્તક લખ્યું હતું. વિશ્વનું એકમાત્ર એવું પુસ્તક કે જેને પ્રકાશિત થતા પહેલા જ અંગ્રેજોએ ડરીને પ્રતિબંધ લગાવ્યો હતો.

દેશ પ્રત્યેના આ ઝૂનુન અને દેશપ્રેમના કારણે જ દેશ અંગ્રેજોના કુશાસનમાંથી મુક્ત થયો. કાળા પાણીની સજા દરમ્યાન પથ્થરની દીવાલો ઉપર પોતાના રક્તથી માં ભારતીની સ્વતંત્રતાની કવિતા લખવાનું કાર્ય વીર સાવરકરજીએ કર્યું હતું. આપણી ભાષાને સંપૂર્ણ બનાવવાની સાથે સાથે ભાષાઓની મહત્તાનું ઉદ્ધોષણ, દલિત સમાજ માટે પતિત પાવન મંદિર એ જમાનામાં બનાવવાનું કાર્ય વીર સાવરકરજીએ કર્યું હતું.

વધુમાં અમિત શાહે જણાવ્યું કે, PM મોદીએ વિકાસની યાત્રા ગુજરાતથી શરૂ કરી અને આજે 12 વર્ષના શાસન દરમ્યાન ગુજરાતના વિકાસ મોડલને મોદીએ કાશ્મીરથી કન્યાકુમારી અને ગંગાસાગરથી સોમનાથ સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું છે. જેના પરિણામે દેશના 80 ટકા ભૂભાગ ઉપર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને હમણાં જ બંગાળના પરિણામોએ દીદીના સૂપડા સાફ કરી દીધા છે.

ભાજપના રાજમાં ઘુસણખોરો આપોઆપ બંગાળ છોડીને જવા લાગ્યા

માં ગંગાના સમગ્ર પટ ઉપર ભાજપાનો ભગવો લહેરાવાનું કાર્ય દેશના લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદી અને ભાજપે કર્યું છે. બંગાળમાં થતી ઘુસણખોરીને અટકાવવા માટે ભાજપાની સરકારે કહ્યું હતું કે, બાંગ્લાદેશની બોર્ડર પર ફેન્સિંગ કરવાનું કાર્ય કરીશું અને બંગાળના મુખ્યમંત્રી શુભેંદુ અધિકારીએ માત્ર 7 દિવસમાં જ 600 હેકટર ભૂમિને BSF ના હાથમાં સોંપવાનું કાર્ય કર્યું.

પહેલા મમતાના રાજમાં ઘૂસણખોરો ઘુસતા હતા અને આજે ભાજપાની સરકારના રાજમાં ઘુસણખોરો આપોઆપ બંગાળ છોડીને જવા લાગ્યા છે. બંગાળ ભાજપ સરકારે ડિટેન્શન સેન્ટર બનાવ્યા છે, પરંતુ જે લોકો જ્યાંથી આવ્યા છે ત્યા પરત ફરશે તો બંગાળ સરકાર કેસ નહીં કરે અને વધુમાં સરકાર તેમની સહાયતા કરશે. ભાજપ સરકારનો સંકલ્પ છે કે, દેશભરમાંથી એક એક ઘુસણખોરોને દેશની બહાર કરવામાં આવશે.

વડાપ્રધાન મોદી “ડેમોગ્રાફિક ચેન્જ કમિટી” બનાવાનો નિર્ણય કર્યો છે. આ કમિટી જન સંખ્યાના કૃત્રિમ બદલાવના કારણો અને ઉપાયોની ચિંતા કરશે સાથે સાથે તે માટે કોઈ અધિનિયમ કે કાયદો બનાવવો જરૂરી જણાય તો તે માટે પણ ચિંતા આ કમિટી કરશે.

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશનો વિકાસ અવિરત અને બહુમુખી પ્રગતિનો માર્ગ પ્રશસ્ત થઈ રહ્યો છે. ગુજરાતમાં નરેન્દ્રભાઈ અને ભુપેન્દ્રભાઈની જોડીએ 30 વર્ષ પહેલા શરૂ કરેલું અભિયાન આજે અંત સુધી પહોંચ્યું છે.