Gandhinagar: કતારના પૂર્વ અમીરના નિધનથી આજે ભારતમાં રાષ્ટ્રીય શોક, ગાંધીનગર NFSU ખાતે અમિત શાહનો કાર્યક્રમ રદ્દ

કતારના પૂર્વ અમીરના નિધનના પગલે ભારતમાં રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. ગાંધીનગરમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહના કાર્યક્રમો સ્થગિત રાખવામાં આવ્યા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 13 Jul 2026 12:27 PM (IST)Updated: Mon, 13 Jul 2026 12:27 PM (IST)
amit-shah-gandhinagarnfsu-program-cancelled-qatar-emir-national-mourning
Amit Shah-Former Emir of Qatar

Amit Shah Gandhinagar Visit, Former Emir of Qatar Passes Away: કતારના પૂર્વ અમીર શેખ હમાદ બિન ખલીફા-અલ-થાનીનું 12 જુલાઈ, 2026 ના રોજ 74 વર્ષની વયે નિધન થયું છે. તેમના સન્માનમાં ભારત સરકારે 13 જુલાઈના રોજ એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. આ રાષ્ટ્રીય શોકને પગલે ગાંધીનગરમાં યોજાનાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમ અને લોકાર્પણ સમારોહ હાલ સ્થગિત રાખવામાં આવ્યા છે.

11મી ઈન્ટરપોલ DFEG બેઠકનો ઉદ્ઘાટન સમારોહ 

આજે 13 જુલાઈના રોજ ગાંધીનગરના NFSU ખાતે ઈન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપ (DFEG) ની 11મી બેઠકનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાવાનો હતો. પરંતુ રાષ્ટ્રીય શોક અન્વયે સવારે 11 વાગ્યે યોજાનારા આ વૈશ્વિક સ્તરના ઉદ્ઘાટન સમારોહને રદ કરવામાં આવ્યો છે. 

સંસ્થાની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર, તમામ મીડિયામિત્રોને પણ હાલના તબક્કે NFSU ગાંધીનગર ખાતે ન પધારવા ખાસ અપીલ કરવામાં આવી છે. આ કાર્યક્રમની આગામી રૂપરેખા અને નવી તારીખ અંગે વહીવટી તંત્ર દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર જાણકારી આપવામાં આવશે.

એશિયાની પ્રથમ સાયબર વાન સહિત મોટા પ્રોજેક્ટ

આ પ્રતિષ્ઠિત વૈશ્વિક મંચ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં કુલ 5 મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ દેશને સમર્પિત થવાના હતા. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ 'મેક ઈન ઇન્ડિયા' અંતર્ગત બનેલી એશિયાની પ્રથમ 'સાયબર ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન વાન' હતી.

આ ઉપરાંત, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ફાઇનાન્સિયલ ફ્રોડ રોકવા માટે 'સેન્ટર ઓફ એક્સેલન્સ ઈન ફાઇનાન્શિયલ ક્રાઈમ ઈન્વેસ્ટીગેશન' નું પણ લોકાર્પણ થવાનું હતું. સાથે જ મીડિયા ફોરેન્સિક્સ અને ક્રાઈમ સીન મેનેજમેન્ટ જેવા અત્યાધુનિક સેન્ટરનું લોકાર્પણ પણ હાલ માટે પાછું ઠેલવામાં આવ્યું છે.