Gandhinagar: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગ, ભારત સરકારના સહયોગથી સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી આધારિત જાહેર વિતરણ વ્યવસ્થા પ્રોજેક્ટનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અમિત શાહે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે.
અમિત શાહે જાહેર મંચ પરથી રાહુલ ગાંધીને પડકાર ફેંક્યો
રાહુલ ગાંધી એવું કહીને દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે કે, યુરોપિયન યુનિયન, ઈંગ્લેન્ડની સાથે FTA અને અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલમાં વડાપ્રધાન મોદીએ ખેડૂતોના હિતને નુકસાન પહોંચાડ્યું છે.
ગૃહમંત્રીએ રાહુલ ગાંધીને પડકાર ફેંકતા જણાવ્યું કે, તમે કોઈ પણ મંચ નક્કી કરી લો. ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ આવીને ચર્ચા કરશે કે, ખેડૂતોનું નુકસાન કોણે કેટલું કર્યું છે.
હું દેશના ખેડૂતોને કહેવા માંગું છે કે, રાહુલ ગાંધી જૂઠ્ઠુ બોલીને તમને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ઈંગ્લેન્ડ અને યુરોપિયન યુનિયન સાથે થયેલ FTA અને અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલમાં વડાપ્રધાન મોદીએ ખેડૂતોના હિતની સુરક્ષા કરી છે. PM મોદીએ ત્રણેય સમજૂતિમાં ડેરી સેક્ટરને સંપૂર્ણ સુરક્ષા આપવાનું કામ કર્યું છે.
મોદી સરકારમાં ખેડૂતોને લોન ના લેવી પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી
કોંગ્રેસે માત્ર ગરીબી હટાવવાની વાતો કરી, જ્યારે PM મોદીએ ઘર,વીજળી ગેસ, પાંચ લાખનો ઇન્સ્યોરન્સ, પીવાનું પાણી જેવી યોજનાઓ પહોંચાડી ગરીબોને માત્ર 10 વર્ષમાં ગરીબી રેખામાંથી બહાર લાવવાનું કાર્ય કરવામાં આવ્યું છે. કોંગ્રેસ સરકાર અને તેનું નેતૃત્વ હંમેશા ખોટું બોલી જનતાને ગેરમાર્ગે દોરવાનું કાર્ય કર્યું છે.
10 વર્ષ UPAમાં મનમોહનની સરકાર અને 10 વર્ષ NDA અને નરેન્દ્ર મોદીની સરકારની સરખામણીમાં અનેકગણું વધારે અનાજ MSP પર કિશાનો પાસેથી ખરીદવાનું કાર્ય ભાજપા સરકારે કર્યું છે. કોંગ્રેસની સરકારમાં કિસાનોનું બજેટ માત્ર 26 હજાર કરોડ હતું, જ્યારે મોદી સરકારમાં બજેટ 1 લાખ 29 હજાર કરોડ કરવામાં આવ્યું છે.
કોંગ્રેસે 70 વર્ષમાં અનેક વખત લોન માફીની વાતો કરી અને કિસાનોને ગેરમાર્ગે દોરવાનું કાર્ય કર્યું, જ્યારે મોદી દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6 હજાર જમા કરી ખેડૂતોને લોન ન લેવી પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી. રાહુલ ગાંધી ખોટું બોલીને દેશના ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
