Mahesh Langa News: મંગળવારે સેક્ટર 7 પોલીસ સ્ટેશને FIR નોંધાયા પહેલા પોલીસની પાંચથી વધારે ટીમ GMB માં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ગાંધીનગર પોલીસે કરોડો રૂપિયાના વધુ એક નવા કૌભાંડમાં એક મહિલા સહિત ત્રણ ઓફિસરોની પૂછપરછ શરૂ કર્યાનું જાણવા મળ્યુ છે. જેમાંથી એક ચીફ ફાઈનાન્સ ઓફિસર હોવાનું સામે આવ્યું છે. GMB સામે પત્રકાર લાંગેએ શું છેતરપિંડી કરી છે તે અંગે અધિકૃત માહિતી પોલીસે જાહેર કરી નથી પરંતુ, ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2), 306, 316(5), 61(2) અને લાંચ રૂશ્વત અટકાયત એક્ટની કલમ 7(એ), 8(1), 12,13(1) અને 12(2) હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે ભ્રષ્ટાચાર ઉપરાંત ચોરી, વિશ્વાસભંગ મુદ્દે FIR નોંધાઈ છે.
મહેશ લાંગા સામે GMBની FIR
અધિકારીએ કહ્યું કે, પત્રકાર તરીકે લાંગાએ ગુજરાતના બંદરો, તેની નીતિઓ સંદર્ભના દસ્તાવેજો મેળવીને અથવા તો ચોરી કરી તેનો ઉપયોગ રાજકીય કે પછી ધંધાકીય હરીફાઈ માટે કર્યાની આશંકા છે. તેથી તપાસ ચાલી રહી છે. જેમાં કેટલાક અધિકારીઓ કર્મચારીઓની પૂછપરછ થઈ રહી છે. હાલમાં સ્ટેટ કેડર, GMB ના અધિકારી છે. જરૂર પડ્યે ટોચના અધિકારીઓની પણ પૂછપરછ થઈ શકે છે.
જન્મદિવસની પાર્ટીમાં મોટા માથા સામેલ
મહેશ લાંગાએ પોતાના જન્મદિવસે રાજપથ ક્લબની પાછળ ઝેડ નામના રેસ્ટોરન્ટમાં પાર્ટી આપી હતી, જેમાં સુરત, રાજકોટ બેઝ્ડ અમદાવાદમાં મોટું રોકાણ ધરાવતા જમીન દલાલ, રાજકીય આગેવાનો તેમજ ટોચના IAS અને કેટલાક પોલીસ ઓફિસર પણ સામેલ હતા, તેવું તપાસમાં બહાર આવ્યું છે. એ સૌના એકબીજા સાથે જોડાયેલા તારને આધારે જ GST બાદ ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં સરકારનું હિત જોખમાયું હોવાનું ખુલતા વધુ એક FIR નોંધાયાનું જાણવા મળ્યું છે.
બોગસ કંપનીઓ બનાવી
રાજ્યમાં બનાવટી ડોક્યુમેન્ટથી 200 જેટલી બોગસ કંપની ઉભી કરીને GST કૌભાંડ આચર્યું કેસમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ પાંચ શખ્સોને ભાવનગર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ પાંચેય શખ્સોએ બોગસ કંપની બનાવનાર પાસેથી 5000 થી લઇને 15000 માં ખરીદીને અન્ય વ્યક્તિઓને આ કંપની 25000 થી લઇને 50000 માં વેચાણ આપી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, પાંચેય શખ્સોએ એક બે નહીં પરંતુ કુલ 50થી વધુ બોગસ કંપની ખરીદીને અન્ય વ્યકિતઓને વેચાણ આપી હતી. ક્રાઇમ બ્રાંચે 50 કંપનીઓની વિગતોના આધારે હજુ અન્ય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
GSTનું કૌભાંડ આચર્યું
GST વિભાગ દ્વારા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં 200થી વધુ બોગસ કંપની ઉભી કરીને કેટલાક શખ્સો દ્વારા GST કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચે અગાઉ બોગસ બિલિંગ મામલે ધ્રુવી એન્ટરપ્રાઇઝ બનાવનાર સહિત આઠ શખ્સોની ધરપકડ કરી હતી. ત્યારબાદ ધ્રુવી એન્ટરપ્રાઇઝ બનાવી અન્ય વ્યકિતને વેચાણ આપનાર અને ખરીદનાર 3 શખ્સો તેમજ ગોંડલના પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝના માલિકની ધરપકડ કરી હતી.
ઝીણવટપૂર્વક તપાસ શરુ થઇ
આ બાદ GST કૌભાંડ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ઝીણવટપૂર્વક તપાસ કરતા ભાવનગરના આદિલ ખોખર, કાદર ઉર્ફે નાવડી ખોખર, અકિલ પઠાણ, શાહરૂખ રંગરેજ અને સરફરાજ ચૌહાણે ભેગા મળીને 50 જેટલી બોગસ કંપની ખરીદવાનું ખુલ્યું હતું. આ પાંચેય શખ્સો ખરીદેલ બોગસ કંપનીઓ અન્ય શખ્સોને 25000 થી લઇને 50000 સુધીમાં વેચાણ આપી દીધી હોવાનું ખુલ્યું હતું. જેના પગલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પાંચેય શખ્સોને ભાવનગર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે.
