ઠાકોર સમાજનું ઐતિહાસિક 'અભ્યુદય મહાસંમેલન': અડધી રાત્રે ગાંધીનગરમાં હજારોનું જનસૈલાબ; શિક્ષણ અને વ્યસનમુક્તિ સાથે સામાજિક ક્રાંતિનો શંખનાદ

આ મહાસંમેલને સાબિત કર્યું છે કે ગુજરાતનો ઠાકોર સમાજ હવે જાગૃત થયો છે. સરસ્વતીધામના ભૂમિપૂજન સાથે સમાજે ‘શિક્ષણના શાશ્વત મંદિર’ના પાયા નાખ્યા છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 27 Jan 2026 08:08 AM (IST)Updated: Tue, 27 Jan 2026 12:01 PM (IST)
abhyuday-mahasammelan-of-kshatriya-thakor-samaj-was-held-at-midnight-in-gandhinagar

Gandhinagar Thakor Samaj Mahasammelan: ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આયોજિત ‘અભ્યુદય મહાસંમેલન’માં ઠાકોર સમાજની જાગૃતિનું એક અદભૂત દ્રશ્ય જોવા મળ્યું હતું. રાત્રે 3 વાગ્યાથી જ 7000થી વધુ ગામડાઓમાંથી હજારો લોકો ઉમટી પડ્યા હતા. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં વ્યાપેલી બદીઓને દૂર કરી યુવાશક્તિને શિક્ષણ અને રોજગાર તરફ વાળવાનો હતો.

સંગીત અને વક્તવ્યનો સમન્વય

કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી થઈ હતી. રાકેશ બારોટ અને કીર્તિદાન ગઢવીના ગીતોએ વાતાવરણને ઉત્સાહથી ભરી દીધું હતું. હજારો લોકોએ મોબાઈલની ટોર્ચ ચાલુ કરી એકતાનો સંદેશ આપ્યો હતો. આ સંમેલનમાં રાજકીય મતભેદો બાજુ પર મૂકીને ભાજપ અને કોંગ્રેસના તમામ ઠાકોર નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા.

naidunia_image

અલ્પેશ ઠાકોરનો હુંકાર

ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સમાજને સંબોધતા ભાવુક થઈ જણાવ્યું હતું કે, “જો વર્ષો પહેલાં ઠાકોર સમાજ વ્યસનમુક્ત થયો હોત, તો આજે ગુજરાતની અડધી જમીનો આપણી હોત.” તેમણે 2016માં શરૂ કરેલી વ્યસનમુક્તિ ઝુંબેશની સફળતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે હવે ગામડાઓમાં 90-95 ટકા લોકો સુધર્યા છે. અલ્પેશ ઠાકોરે 2036 સુધીનો લક્ષ્યાંક મૂકતા કહ્યું કે, “હું એ દિવસ જોવા માંગુ છું જ્યારે સમાજની દીકરી IAS-IPS બનીને આ મંચ પરથી ભાષણ આપે.” તેમજ અડાલજમાં 2000 દીકરા-દીકરીઓ રહી શકે તેવા અત્યાધુનિક ‘સરસ્વતીધામ’નું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

naidunia_image

ગેનીબેન ઠાકોરનો કડક સંદેશ

સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજની મહિલાઓ અને દીકરીઓના શિક્ષણ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “આપણો સમાજ હવે પટાવાળા અને સિક્યુરિટી ગાર્ડની નોકરીઓથી બહાર નીકળી IAS-IPS બને તે જરૂરી છે.” તેમણે 12મા ધોરણ પછી તરત દીકરીઓના વિવાહ ન કરાવવાનો અને તેમને ઉચ્ચ અભ્યાસ કરાવવાનો સંકલ્પ લેવડાવ્યો હતો.

naidunia_image

અડધી રાત્રે સભાનો ઇતિહાસ

બળદેવજી ઠાકોરે આ સભાને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે, દેશના ઇતિહાસમાં આ ત્રીજી એવી રાત્રી સભા છે જ્યાં લાખો લોકો એકત્ર થયા હોય. આઝાદીના સમયે અને જયપ્રકાશ નારાયણના આંદોલન બાદ ઠાકોર સેનાએ આ પરંપરા સર્જી છે. આ સંમેલન પાછળ કોઈ રાજકીય હેતુ હોવાનો અલ્પેશ ઠાકોરે સાફ ઇન્કાર કર્યો હતો અને તેને માત્ર સામાજિક ઉત્થાનનો કાર્યક્રમ ગણાવ્યો હતો.

સંમેલનના મુખ્ય ઠરાવો અને એજન્ડા:

  • 1) વ્યસનમુક્તિ: 100 ટકા વ્યસનમુક્ત સમાજનું નિર્માણ કરવું.
  • 2) શિક્ષણ: અડાલજમાં સરસ્વતીધામ બાદ રાજ્યમાં વધુ 8 ભવનોનું નિર્માણ કરવું.
  • 3) જમીન બચાવો: લગ્નોમાં ખોટા ખર્ચા ટાળી પૂર્વજોની જમીનો સાચવવી.
  • 4) મહિલા સશક્તિકરણ: દરેક તાલુકામાં દીકરીઓ માટે હોસ્ટેલ બનાવવી.

આ મહાસંમેલને સાબિત કર્યું છે કે ગુજરાતનો ઠાકોર સમાજ હવે જાગૃત થયો છે. સરસ્વતીધામના ભૂમિપૂજન સાથે સમાજે ‘શિક્ષણના શાશ્વત મંદિર’ના પાયા નાખ્યા છે. રાજકીય આગેવાનોએ પણ એકજૂટ થઈને સ્વીકાર્યું કે સમાજના વિકાસ માટે સહિયારો પુરુષાર્થ જ એકમાત્ર વિકલ્પ છે.