રૂપાલમાં વરદાયિની માની પલ્લી પર 27 કરોડથી વધુ કિંમતના 4.50 લાખ કિલો ઘીનો અભિષેક, પરોઢિયે 4 વાગ્યે નીકળેલી પલ્લી7 વાગ્યે મંદિરે પહોંચી

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Wed, 25 Oct 2023 11:20 AM (IST)Updated: Wed, 25 Oct 2023 11:28 AM (IST)
abhishek-of-four-and-a-half-lakh-kilos-of-ghee-worth-more-than-27-crores-at-vardayini-mani-palli-in-rupal-the-palli-left-at-4-am-and-reached-the-temple-at-7-am

Gandhinagar News: ગાંધીનગરના રૂપાલ વરદાયિની માતાજીની પલ્લી નીકળી હતી. જેમાં ભક્તો દ્વારા દ્વારા ૨૭ કરોડથી વધુ કિંમતના સાડા ચાર લાખ કિલો ઘીનો અભિષેક કર્યો હતો. પલ્લીના મેળા દરમિયાન ગાંધીનગર સહિત રાજ્યભરમાંથી આવેલા 13 લાખ જેટલા ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હતો. વહેલી પરોઢે ચારેક વાગ્યે નીકળેલી પલ્લી રૂપાલ ગામના 27 ચોકમાંથી પસાર થઈને સવારે 7 વાગ્યાની આસપાસ મંદિરે પહોંચી હતી. મંદિર ખાતે મુકાયેલી માતાજીની પલ્લી પર પૂનમ સુધી ભક્તો દ્વારા ઘીનો અભિષેક ચાલું રહેશે.

પાંચ હજાર વર્ષ પહેલાં પાંડવોએ શરૂ કરેલી વરદાયિની માતાજીની પલ્લીની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. આસો સુદ નોમની રાત્રે રૂપાલના ગ્રામજનો દ્વારા પલ્લી કાઢવામાં આવી હતી. ગામના દરેક સમાજના સહયોગથી નીકળેલી પલ્લીમાં ખીજડાનું વૃક્ષ કાપીને પલ્લી બનાવવા, ખીચડો નૈવેધ તૈયાર કરવા સહિતની વિધિમાં વહેલી પરોઢ થઈ ગઈ હતી. વહેલી પરોઢે ચારેક વાગ્યે લાખોની મેદની વચ્ચે પલ્લી 27 ચોકમાં થઈને સવારે 7 વાગ્યે મંદિર ખાતે પહોંચી હતી.

ત્રણ કલાક ફરેલી પલ્લી પર ભક્તો દ્વારા લાખો કિલો ઘીનો અભિષેક કરાયો હતો. ગામના દરેક ચોકમાં ટ્રેક્ટરની ટ્રોલી અને પીપથી ભરેલા રખાયા હતા. જેમાંથી ડોલથી ભરીભરીને પલ્લી પર ઘીનો અભિષેક કરાયો હતો. ભક્તો દ્વારા સાડા ચાર લાખ કિલો ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો, જેની અંદાજીત કિંમત 27 કરોડથી વધુ થાય છે.

રૂપાલ પલ્લીને લઈને સોમવાર સાંજથી ભક્તો રૂપાલ ખાતે પહોંચી ગયા હતા. જેમાં મંગળવાર સવાર સુધી 13 લાખ જેટલા ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હતો. લાખો કિલોથીના અભિષેકને પગલે ગામના રસ્તાઓ પર ઘીની નદીઓ વહી હતી. પલ્લીના મેળા દરમિયાન ભક્તોને વિનામૂલ્યે ભોજનનો પ્રસાદ અપાય છે. અત્યાર સુધી કઢી-ખીચડી આપવામાં આવતી હતી જોકે આ વખતે મંદિર તરફથી પૂરી-શાક, દાળ-ભાતની પ્રસાદી આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં 1 લાખ ભક્તોએ ભોજનનો પ્રસાદ લીધો હતો.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.