Swachhata Hi Seva 2025: સ્વચ્છતા હી સેવા-2025 અભિયાન અંતર્ગત આજરોજ સમગ્ર રાજ્યમાં સફાઈ મિત્ર સુરક્ષા શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં સફાઈ મિત્રોના બ્લડ પ્રેશર, બ્લડ શુગર, હિમોગ્લોબિન તથા શારીરિક ક્ષમતા જેવી વિવિધ તપાસો નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા કરવામાં આવી હતી. બાદમાં યોગ્ય દવાઓ, આરોગ્ય સલાહ આપવામાં આવી હતી. અહી તમામ સફાઈ કામદારોને સેફ્ટી કિટનું વિતરણ કરાયું હતું. ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓનો લાભ તેમજ નોંધણી કરવામાં આવી હતી.
સ્વચ્છતા કામદારો સમાજ માટે અનિવાર્ય સેવા બજાવે છે. શહેર કે ગામની સફાઈ, કચરાનું સંચાલન અને આરોગ્યપ્રદ વાતાવરણ જાળવવાનું મુખ્ય ભારણ તેમના ખભા પર હોય છે. પરંતુ ઘણી વખત તેમના પોતાના આરોગ્ય અને સુરક્ષાની અવગણના થતી હોય છે. આ જ હકીકતને ધ્યાનમાં રાખીને આજે સ્વચ્છતા કામદારો માટે સુરક્ષા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સમગ્ર રાજ્યમાં 3412 શિબિર યોજવામાં આવી હતી.
જેમાં સફાઈ મિત્ર ભાઈઓ તેમજ બહેનો મળી કુલ 19919 કામદારોએ ભાગ લીધો હતો. આજે 5078 સફાઈ મિત્રોનું સન્માન કરાયું હતું. 3938 સફાઈ કામદારોને સલામતી કીટનું વિતરણ કરાયું હતું.
આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 1827, અમૃત યોજનામાં 832, જલ જીવન મિશનમાં 1974, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણમાં 4776, પ્રધાનમંત્રી સહજ બીજલી હર ઘર યોજનામાં 1288, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં 1816, આયુષ્યમાન ભારતમાં 3350, મિશન ઇન્દ્રધનુષમાં 547, સ્વચ્છતા ઉદ્યોગ યોજનામાં 139, પ્રધાનમંત્રી જન ધન યોજનામાં 1421, મનરેગા જોબકાર્ડમાં 2730, રેશનકાર્ડમાં 2440, આધારકાર્ડમાં 2320 મળી જુદીજુદી યોજનામાં સફાઈ કામદારોએ લાભ લીધો હતો. આ ઉપરાંત 2593 કામદારોની વિવિધ સરકારી યોજનાઓમાં નોંધણી કરવામાં આવી હતી. આજે રાજ્યમાં 11878 પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી. રાજ્યમાં 23538 નવા સીટીયુની ઓળખ કરવામાં આવી હતી. જયારે 28352 સીટીયુ ટ્રાન્સફોર્મ કરવામાં આવ્યા હતા. આજે 1734896 લોકોએ પ્રવૃતિમાં ભાગ લીધો હતો.
