Gandhinagar News: ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન ગાંધીનગર (IITGN)એ તેના ડૉ. કિરણ સી પટેલ સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ દ્વારા, 14 ટ્રી ફાઉન્ડેશન; ચંદ્રકાંતા કેશવન સેન્ટર ફોર એનર્જી પોલિસી એન્ડ ક્લાઈમેટ સોલ્યુશન્સ, IIT કાનપુર; અને ઇકોલોજિકલ સોસાયટી, પુણે, સાથે ભાગીદારીમાં 02 સપ્ટેમ્બર, 2023ના રોજ ‘નેટ-ઝીરો ડાયલોગ્સ’ - ક્લાઇમેટ ચેન્જ અને સસ્ટેનેબિલિટી સંબંધિત વિવિધ મુદ્દાઓ પર એક દિવસીય મંથન સત્રનું આયોજન કર્યું હતું.
“પોલીસી પલ્સ, ક્લાઈમેટ ફાઇનાન્સ, અને સસ્ટેનેબલ ટ્રાન્ઝિશન્સ” થીમ પર કેન્દ્રિત આ ઈવેન્ટમાં નીતિ ઘડવૈયાઓ, શિક્ષણવિદો, નાગરિક સમાજ અને ઉદ્યોગના પ્રતિનિધિઓ સહિત દેશભરમાંથી લગભગ 50 નિષ્ણાતોને સાથે લાવવામાં આવ્યા હતા. ભારત સરકાર (નીતિ આયોગ), ગુજરાત સરકાર (DDO ખેડા-નડિયાદ), IIT ગાંધીનગર, IIT કાનપુર, IIM અમદાવાદ, NIAS બેંગ્લોર, IISER પુણે, ગુજરાત યુનિવર્સિટી, સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી, ગુજરાત ઇકોલોજી કમિશન, ગુજરાત ક્લીનર પ્રોડક્શન સેન્ટર, WIN ફાઉન્ડેશન, સ્પ્રિહ, ATREE બેંગ્લોર, ક્લાઈમેટ પોલિસી ઈનિશિએટિવ, IBM ઈન્ડિયા સોફ્ટવેર લેબ્સ, અદાણી પ્રાઈવેટ લિમિટેડ, અને તરુ લીડિંગ એજ, સહિત લગભગ 20 સંસ્થાઓના સહભાગીઓ હતા.
તેમના ઉદઘાટન સંબોધનમાં, પ્રોફેસર ઈન્દુ શેખર ચતુર્વેદી, ભૂતપૂર્વ સચિવ, નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય, ભારત સરકાર, જેઓ IIT કાનપુર ખાતે વિઝિટિંગ પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ પણ છે, તેમણે જણાવ્યું કે ટ્રાન્ઝિશન્સ માટે વિવિધ નીતિ પ્રશ્નોને સંબોધિત કરવાની જરૂર છે. ઉદ્ઘાટન સત્ર દરમિયાન, નીતિ આયોગના વરિષ્ઠ સલાહકાર શ્રી અનુરાગ ગોયલ અને IITGNના ડીન R&D પ્રોફેસર અમિત પ્રશાંતે પણ સહભાગીઓને સંબોધિત કર્યા. પ્રોફેસર રજત મૂના, ડાયરેક્ટર, IITGNએ પણ દિવસ દરમિયાન સહભાગીઓને સંબોધિત કર્યા. તેમણે કચરા વ્યવસ્થાપનના મુદ્દા પર પ્રકાશ પાડ્યો અને કપડાં ઉદ્યોગ અને તેના પરિણામે થતા કચરાનું ઉદાહરણ સમજાવ્યું.
આ ઇવેન્ટનો ઉદ્દેશ ટકાઉ ભાવિ હાંસલ કરવામાં પડતી મુશ્કેલીઓનો સર્વગ્રાહી અભિગમ દ્વારા ઉકેલ મેળવવાનો હતો અને નેટ-ઝીરોમાં ટ્રાન્ઝિશન કેવી રીતે નાણાકીય પ્રોત્સાહનો અને તકો સાથે સાથે સંકળાયેલું છે. ઇવેન્ટની થીમ્સ વિવિધ સંસ્થાઓ કેવી રીતે ટકાઉપણાની દરખાસ્તોને ડિઝાઇન કરે છે, તેનું મૂલ્યાંકન કરે છે, સમર્થન કરે છે, અને અમલમાં મૂકે છે તેની આસપાસ કેન્દ્રિત હતી. નેટ-ઝીરોની પહેલો અને પ્રોજેક્ટ્સની નિર્ણય લેવાની પ્રક્રિયામાં સામાજિક, ઇકોલોજીકલ અને ટેકનો-ઇકોનોમિક સહિત બહુવિધ પરિમાણોની પણ ચર્ચા કરવામાં આવી હતી.
ત્રણ મંથન સત્રો પોલિસી પલ્સ, ક્લાઈમેટ ફાઇનાન્સ, અને સસ્ટેનેબલ ટ્રાન્ઝિશનને સમર્પિત હતા, જેમાં નિષ્ણાતોએ દરેક થીમમાં વર્તમાન મુદ્દાઓ અને ભાવિ પડકારોની ચર્ચા કરી હતી.
ક્લાઇમેટ ફાઇનાન્સ સત્રમાં એક ટકાઉ અર્થતંત્ર માટે સંસ્થાકીય વ્યૂહરચનાના અનેક પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સર્વગ્રાહી અભિગમ અને નીતિ એકીકરણ, વૈશ્વિક સહકાર, નાણાકીય રીતે સધ્ધર પ્રોજેક્ટ્સ, અને શમન તથા અનુકૂલનમાં રોકાણનો સમાવેશ થાય છે. એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે અનુકૂલન ભંડોળ અનેક પ્રોજેક્ટ્સમાં વહેંચી શકાય છે.
પોલિસી પલ્સ પરના સત્રમાં ટકાઉ ભવિષ્ય માટે સરકારની પહેલો વિશે ચર્ચા કરવામાં આવી હતી. તેમાં વિવિધ ક્ષેત્રોમાં નીતિઓના પરસ્પર જોડાણ અને R&D તરફના નીતિગત પ્રોત્સાહન પર ભાર મૂક્યો હતો. નીતિઓ ગતિશીલ અને વિજ્ઞાન અને પુરાવા આધારિત હોવી જોઈએ તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. વર્તણૂકીય ફેરફારોની જરૂરિયાત અને આંતરરાષ્ટ્રીય બજારોમાં સ્પર્ધાત્મક રહેવાની પણ ચર્ચા કરવામાં આવી હતી.
સસ્ટેનેબલ ટ્રાન્ઝિશન પરના સત્રમાં નેટ-ઝીરો પહેલોની બહુપરીમાણીયતા પર ચર્ચા કરવામાં આવી હતી. તેમાં ઉર્જા, સ્થાનિકીકરણ અને સંસાધનના ઉપયોગની સર્ક્યુલારિટીના માપની સમજણની જરૂરિયાત દર્શાવવામાં આવી અને ટકાઉ ટ્રાન્ઝિશન્સ માટે સંસાધનોના પુનઃસ્થાપન અને સંરક્ષણ ઉપર ભાર મૂકાયો. સમાવિષ્ટ ટકાઉપણું તથા નવીનતા અને ટેકનોલોજીના ઉપયોગ માટે સામુદાયિક જોડાણના અત્યંત મહત્વની પણ ચર્ચા કરવામાં આવી હતી. નિષ્ણાતોએ રેખાંકિત કર્યું કે વૃદ્ધિ અને વિકાસ સામાજિક-પારિસ્થિતિક હોવા જોઈએ અને માત્ર ટેકનો-ઈકોનોમિક નહીં. આપણે માત્ર ઉર્જાથી જ નહીં પણ જીવનના તમામ પાસાઓમાં પણ ટ્રાન્ઝિશન્સને ધ્યાનમાં લેવાની જરૂર છે.
ખેડાના જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ (IAS)એ પાયાના સ્તરે ક્ષમતા નિર્માણ અને પર્યાવરણ સંરક્ષણને જન ચળવળ બનાવવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો હતો. IITGN ખાતે સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટના કોઓર્ડિનેટર, પ્રોફેસર સી એન પાંડે દ્વારા દરેક સત્રમાંથી મુખ્ય ટેકઅવેના સારાંશ સાથે ઇવેન્ટનું સમાપન થયું.
