પબુભા માણેકના નિવેદનથી ગુજરાતના રાજકારણમાં ભૂકંપ! વરુણ પટેલનો ખુલ્લો પડકાર, ગોપાલ ઈટાલિયાએ આપી મોટી ઓફર!

દ્વારકા ખાતે પબુભા માણેકના કોળી સમાજના મુખ્યમંત્રી અંગેના નિવેદનથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વરુણ પટેલે તેમને ખુલ્લી ચેલેન્જ આપી, ગોપાલ ઈટાલિયાએ શરતી ઓફર કરી, જ્યારે હીરાભાઈ સોલંકીએ સંતુલિત પ્રતિક્રિયા આપી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 17 Nov 2026 11:45 AM (IST)Updated: Tue, 17 Nov 2026 11:45 AM (IST)
varun-patel-challenges-pabubha-manek-over-controversial-statement-gopal-italia-prepares-to-meet-amit-shah
AI IMAGE

Pabubha Manek Statement: દ્વારકા ખાતે આયોજિત કોળી સમાજના એક કાર્યક્રમમાં ધારાસભ્ય પબુભા માણેકે 'રાજ્યમાં કોળી સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ' તેવું નિવેદન આપ્યું હતું. પબુભા માણેકના આ નિવેદન બાદ ગુજરાતના રાજકીય વર્તુળોમાં ગરમાવો આવી ગયો છે અને પાટીદાર આગેવાન વરુણ પટેલ, આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા તેમજ કોળી સમાજના આગેવાન હીરાભાઈ સોલંકીએ આ અંગે પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી છે.

વરુણ પટેલે પબુભાને કરી ખુલ્લી ચેલેન્જ

પાટીદાર આગેવાન વરુણ પટેલના જણાવ્યા મુજબ, દરેક સમાજ પોતાના રાજકીય પ્રતિનિધિત્વ અને પ્રગતિ માટે સંઘર્ષ કરતો હોય છે અને સમાજના નેતાઓ પોતાના સમાજની વાત કરતા હોય છે. પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી એવા હોવા જોઈએ જે વહીવટી રીતે કુશળ, જ્ઞાની (નોલેજેબલ) હોય અને રાજ્યની પ્રજાને યોગ્ય ન્યાય આપી શકે. ધારાસભ્ય પબુભા માણેકના નિવેદન સામે પાટીદાર આગેવાન વરુણ પટેલે સીધો પડકાર ફેંકતાં કહ્યું કે, જો તમારામાં હિમત અને લીડરશિપ હોય તો ગુજરાતની માતા-બહેનોના મુદ્દાની વાત કરો. બાહુબળ અને પૈસાના જોરે ચૂંટણી લડો છો. તે બરાબર છે પરંતુ હવે તેના એકલા હાથે ચૂંટણી લડી બતાવો વરુણ પટેલના આકરા નિવેદનથી રાજકીય વિવાદ વકર્યો છે.

ગોપાલ ઈટાલિયાએ આપી મોટી સલાહ

આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે, ગુજરાતમાં મુખ્યમંત્રી કોણ બનશે તે રાજયની જનતા નક્કી કરે છે. જનતા જે પાર્ટીને જીતાડે તે પાર્ટી નક્કી કરે છે કે, કોણ મુખ્યમંત્રી કોણ બનશે. આ સાથે જ તેમણે કટાક્ષ અને સલાહ આપતા કહ્યું હતું કે, જો પબુભા માણેક અને ભાજપના 50 ધારાસભ્યો કોળી સમાજના નેતાને મુખ્યમંત્રી બનાવો તેવી માંગણી સાથે દિલ્હી જઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા તૈયાર હોય. તો અમે પણ તેમની સાથે દિલ્હી જવા તૈયાર છીએ. જો ગૃહમંત્રી અમિત શાહ આ વાત સાથે સહમત થશે. તો અમે પણ અમારી સહમતિ આપીશું.

હીરાભાઈ સોલંકીનું નિવેદન: 'દરેકના વિચારો અલગ હોઈ શકે'

આ સમગ્ર વિવાદ વચ્ચે ધારાસભ્ય અને કોળી સમાજના અગ્રણી હીરાભાઈ સોલંકીએ સંતુલિત પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, દ્વારકા ખાતે કોળી સમાજના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં પબુભા માણેકે માત્ર પોતાના અંગત વિચારો વ્યક્ત કર્યા હતા અને બીજી કોઈ વાત નહોતી. દરેક વ્યક્તિના વિચારો અને મતો અલગ-અલગ હોઈ શકે છે.