Reservation System India: કોકરોચ જનતા પાર્ટી (CJP) બાદ હવે સોશિયલ મીડિયા પર અનામત હટાવો આંદોલન (Reservation Hatao Andolan) ખૂબ જ ચર્ચામાં છે. રિઝર્વેશન હટાઓ આંદોલન (RHA)ના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખૂબ જ ટૂંક સમયમાં 1 મિલિયનથી વધુ ફૉલોઅર્સ થઈ ચૂક્યા છે.
આ ઑનલાઈન અભિયાન અંતર્ગત જ્ઞાતિ આધારિત અમલી અનામત પ્રથાને નાબૂદ કરવા સાથે મેરિટ આધારિત વ્યવસ્થા લાગુ કરવાની માંગ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલ આ ઝૂંબેશને સરદાર પટેલ ગ્રુપ અને પાસ જેવી પાટીદાર સંસ્થાઓનું મજબૂત સમર્થન સાંપડી રહ્યું છે.
સંપન્ન વર્ગ અનામતનો ખોટો લાભ લઈ રહ્યા છેઃ લાલજી પટેલ
સરદાર પટેલ ગ્રુપ (SPG)ના લાલજી પટેલે વર્તમાન અનામત પ્રથા પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે, હાલ જે લોકો લાયક છે, તેમને અનામતનો લાભ પહોંચતો જ નથી. જે પરિવારના સભ્યો પહેલાથી જ સરકારી નોકરી કરી રહ્યા છે અથવા સંપન્ન વર્ગ છે, તેઓની પેઢી દર પેઢી અનામતનો ખોટો લાભ લઈ રહી છે.
આથી સરકારે અનામતના કાયદામાં સુધારો કરીને એવો કાયદો અમલી કરવો જોઈએ, જેમાં કોઈપણ જ્ઞાતિના ગરીબ પરિવારને અનામતનો લાભ મળે. જો ખરેખર ગરીબ અને લાયક હોય તેને અનામતનો લાભ નહીં મળે, તો દેશને મોટું નુકસાન થશે.
પોતાના સંઘર્ષને યાદ કરતાં લાલજી પટેલે જણાવ્યું કે, અમારા સરદાર પટેલ ગ્રુપ (SPG)એ 2012માં સમાજના ગરીબ વર્ગને અનામત મળે તે માટે અભિયાન ચલાવ્યું હતુ. જેના ફળસ્વરૂપે 2021માં 10 ટકા આર્થિક રીતે નબળા વર્ગો માટે અનામત અમલમાં આવી હતી.
જંતર-મંતર પર જવું કે સંસદ જવુ, તે દિલ્હીમાં મળ્યા બાદ નક્કી કરીશુંઃ વરુણ પટેલ
બીજી તરફ પાટીદાર અનામત આંદોલનના નેતા વરુણ પટેલે પણ અનામત હટાવો આંદોલનને પોતાને ટેકો જાહેર કર્યો છે. વરુણ પટેલે જણાવ્યું કે, દેશમાં કોકરોચ જનતા પાર્ટી (CJP) નામે યુવાનોની ક્રાંતિ સફળ થઈ અને સરકારે તેમની તમામ માંગણી પર સ્વીકારી લીધી. હવે દેશના યુવાનોનું નૈતિક મનોબળ મજબૂત બન્યું છે.
છેલ્લા 48 કલાકમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રિઝર્વેશન હટાવો મુવમેન્ટમાં લોકો સ્વયંભુ જોડાઈ રહ્યા છે. આ સોશિયલ મીડિયા દ્વારા એક નવી ક્રાંતિની શરૂઆત થઈ છે.
અમે પણ અનામત હટાવવા મુદ્દે ચિંતન કરવા માટે ગુજરાતમાં મળવાના છીએ. છેલ્લા ઘણાં દિવસેથી દેશના અલગ-અલગ સંગઠનો સાથે પણ અમારી વાટાઘાટો ચાલી રહી છે. અમે ટૂંક સમયમાં દિલ્હીમાં પણ મળવાના છીએ. જે બાદ નક્કી કરીશું કે, જંતર-મંતર પર જવું કે સંસદ જવું?
કોકરોચ જનતા પાર્ટીના આંદોલન બાદ સરકાર પણ હવે સંવાદના મૂડમાં છે. આથી અમે પણ આશાવાદી છીએ કે, સરકાર પણ અમારી માંગણી જરૂર પૂરી કરશે.
