Dwarkadhish Temple Security Breach: જન્માષ્ટમીના પાવન પર્વે દ્વારકા સ્થિત જગતમંદિર પરિસરનો વીડિયો પોતાના મોબાઈલ ફોનમાં ઉતારીને વાયરલ કરવો સુરતના એક યુવકને ભારે પડ્યું છે. આ મામલે દ્વારકા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરીને યુવકનો મોબાઈલ કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, દ્વારકા મંદિર પરિસરમાં મોબાઈલ સહિતના ડિજિટલ ઉપકરણો લઈ જવા અને ત્યાનો વીડિયો કે ફોટોગ્રાફી કરવા પર પ્રતિબંધ મુદ્દે જાહેરનામું અમલી છે. એવામાં જન્માષ્ટીના દિવસે એક યુવકે મંદિર પરિસરમાં પહોંચીને પોતાના મોબાઈલના કેમેરામાં વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. આ વીડિયો ધ્યાને આવતા દ્વારકા પોલીસે તપાસ હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં આ વીડિયો બનાવનાર યુવકની ઓળખ રાહુલ વસ્તરપરા (33) તરીકે થઈ છે, જે સુરતથી દ્વારકા મંદિરે દર્શન કરવા આવ્યો હતો. હાલ તો પોલીસે જાહેરનામા ભંગની કલમો હેઠળ કાર્યવાહી કરીને રાહુલ પાસેથી જે મોબાઈલમાં મંદિરનું શુટિંગ કરવામાં આવ્યું હતુ, તે iPhone કબજે કરવામાં આવ્યો છે.
