Janmashtami 2026 Celebrations: જગપ્રસિદ્ધ યાત્રાધામ એવા દ્વારકાના શ્રી દ્વારકાધીશ જગત મંદિર સહિત ડાકોર, શામળાજી, અમદાવાદના ઈસ્કોન સહિતના મંદિરોમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ પરંપરાગત ધાર્મિક વિધિ-વિધાન સાથે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણના 5253માં જન્મોત્સવની ઉજવણી કરવા માટે મંદિરોમાં આજે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે.
રાતે 12 કલાકે ભગવાન શ્રીકૃષ્ણના જન્મનો શંખનાદ થતાં જ મંદિરો 'નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી, હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલકી'ના નાદથી ગુંજી ઉઠશે.
ગીતા રબારીએ જમાવટ કરી, મંદિર પરિસરમાં ગરબાની રમઝટ
આજે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે દ્વારકાના હાથીગેટ પાર્કિંગ ગ્રાઉન્ડ ખાતે રાતે 8 વાગ્યાથી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગીતાબેન રબારીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ગીતાબેન રબારીએ ભગવાન કૃષ્ણના ભજનો ગાઈને ભક્તોને મંત્રમુગ્ધ કરી રહ્યા છે. આ ઉપરાંત સાંજના સમયે દ્વારકા મંદિર પરિસરમાં ઉપસ્થિત ભક્તો દ્વારા રાસ-ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી.
આજે રાતે અઢી વાગ્યા સુધી મંદિર ભક્તો માટે ખુલ્લું રહેશે
આજે શ્રીકૃષ્ણના જન્મોત્સવને પગલે દ્વારકા જગત મંદિરમાં મધ્ય રાત્રિએ વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાતે 12 કલાકે ભગવાનના જન્મોત્સવની આરતી થશે અને સાડા 12 કલાક સુધી જન્મોત્સવ દર્શન શરૂ થશે. જ્યારે રાતે અઢી વાગ્યે મંદિર બંધ કરવામાં આવશે. જન્માષ્ટમીના બીજા દિવસે સવારે 7 કલાકે શૃંગાર આરતીથી શરૂઆત થશે.
ડાકોરમાં ગોપાલ લાલજી મહારાજને સોનાના પારણામાં ઝૂલાવવામાં આવશે
દ્વારકાની જેમ ડાકોરમાં પણ રાતે 12 કલાકે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની રંગેચંગે ભવ્ય ઉજવણી થશે. આ અલૌકિક અવસરે રાજાધિરાજ રણછોડરાયજીને કિંમતી આભૂષણ અને રત્નજડિત મોટો મુગટ ધારણ કરાવવામાં આવશે, તેમજ ગોપાલ લાલજી મહારાજને સોનાના પારણામાં ઝુલાવવામાં આવશે. આ ઉત્સવ વહેલી સવાર સુધી ચાલુ રહેશે.
