JANMASHTAMI 2024: દ્વારકા નગરીમાં આજે ભગવાન શ્રીકૃષ્ણના 5251મા જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. દ્વારકામાં જન્માષ્ટમીનો માહોલ જામતા સમગ્ર નગરી કૃષ્ણમય બની છે. ભગવાનના જન્મોત્સવને ઉજવવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. જગત મંદિરમાં આઠમે કાળિયા ઠાકોરને અનુપમ શૃંગાર કરવામાં આવશે. રાત્રે 12 વાગ્યે પરંપરાગત રીતે શ્રીજીનો જન્મોત્સવ ઉજવાશે.
આજે જન્માષ્ટમીના દિવસે સવારે 6 વાગ્યે ઠાકોરજીને નિજ મંદિર ખુલતા જ સૌ પ્રથમ દાતણ અર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઠાકો૨જીને માખણ મીસરીનો મંગલ ભોગ ત્યારબાદ મંગલા આરતી કરવામાં આવી હતી. મંગલા આરતી પછી સવારે 8 વાગ્યે ઠાકોરજીને ખુલ્લા પડદે અભિષેક કરવામાં આવ્યો હતો. સદીઓથી પરંપરા મુજબ જન્માષ્ટમી અને જલજાત્રાના જ દિવસે ઠાકોરજીને ખુલ્લા પડદે સ્નાન કરાવાય છે. જેમાં ઠાકોરજીને મંદિરની ગૌશાળામાંથી ગાયોનું 11 લિટર દૂધથી અભિષેક થાય છે.
શ્રી સુક્તમ તથા પુરૂષક્તમના વૈદિક મંત્રોના પાઠના ઉચ્ચારણ સાથે દહીં, ઘી, કેસર, ગંગાજળ, ઋતુ ફળ, વિવિધ દ્રવ્યોથી ભગવાને અભિષેક કરવામાં આવે છે. અભિષેક પૂજા પછી ઠાકોરજીનો શૃંગાર કરવામાં આવે છે. જન્માષ્ટમીએ ઠાકોરજીને કેસરી રંગના વાધા પહેરાવાય છે.