Dwarka: દેવભૂમિ દ્વારકાના જાણીતા પ્રવાસન સ્થળ લાઈટ હાઉસ ખાતે હ્દયપૂર્વક ઘટના ઘટી હતી. રાજકોટના વતની અને દ્વારકાના રાવલ ગામમાં સાસરી ધરાવતા એક 31 વર્ષીય પરણીતાએ પોતાના 9 વર્ષના માસૂમ પુત્ર સાથે લાઈટ હાઉસના ત્રીજા માળેથી મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હજારો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની હાજરીમાં બનેલી આ ઘટનાએ સુરક્ષા અને કૌટુંબિક પ્રશ્નો સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
રવિવારનો દિવસ હોવાથી દ્વારકા લાઈટ હાઉસ ખાતે પ્રવાસીઓની ભારે ભીડ હતી. સાંજે આશરે 6:15 વાગ્યાના સુમારે, જ્યારે લોકો સમુદ્ર કિનારાનો નજારો માણી રહ્યા હતા, ત્યારે અચાનક લાઈટ હાઉસના ત્રીજા માળેથી એક મહિલા અને બાળકે નીચે પડતું મૂક્યું હતું. જમીન પર પટકાતા જ માતા-પુત્રના શરીર લોહીલુહાણ થઈ ગયા હતા. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર પ્રવાસીઓમાં નાસભાગ અને ચીસાચીસ મચી ગઈ હતી.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક મહિલાનું નામ સોયનાબેન મયુરભાઈ સોલંકી (ઉં.વ. 31) અને તેમના પુત્રનું નામ મયંક (ઉં.વ. 09) છે. સોયનાબેન મૂળ રાજકોટના વતની હતા અને 10 વર્ષ પહેલા તેમના લગ્ન રાવલ ગામના મયુરભાઈ સોલંકી સાથે થયા હતા. તપાસમાં એવી પણ વિગત સામે આવી છે કે દંપતી વચ્ચે લાંબા સમયથી અણબનાવ ચાલતો હતો અને તેઓ છેલ્લા કેટલાક સમયથી અલગ રહેતા હોવાની આશંકા છે.
બનાવની ગંભીરતાને ધ્યાને લેતા દેવભૂમિ દ્વારકા DYSP સાગર રાઠોડ સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક લાઈટ હાઉસ દોડી આવ્યા હતા. 108ની ટીમે સ્થળ પર પહોંચી બંનેને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ પોલીસે પંચનામું કરી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ (PM) માટે દ્વારકા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.
પોલીસ તપાસની દિશા
દ્વારકા DYSP સાગર રાઠોડે મીડિયાને જણાવ્યું હતું કે- પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના પાછળ ઘરેલું કલેશ મુખ્ય કારણ હોવાનું જણાય છે. મહિલા રાજકોટથી દ્વારકા ક્યારે આવી અને લાઈટ હાઉસ પર જઈ આટલું અંતિમ પગલું કેમ ભર્યું, તે અંગે તેમના પરિવારજનો અને પતિના નિવેદનો લેવાની કાર્યવાહી ચાલુ છે. ફોરેન્સિક પુરાવા અને લાઈટ હાઉસના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવશે.
દ્વારકા પોલીસે આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ બનાવ આત્મહત્યા છે કે અકસ્માત તેમજ કયા કારણોસર મહિલાએ આ અંતિમ પગલું ભર્યું તે દિશામાં પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.
