દ્વારકાના શિવરાજપુર બીચ પર પ્રવાસન પ્રોજેક્ટનું લોકાર્પણ, CM ભૂપેન્દ્ર પટેલે કર્યા ભગવાન દ્વારકાધીશના દર્શન

પર્યટન, પ્રવાસન અને સલામતીને ધ્યાનમાં રાખીને વૈશ્વિક ધોરણો અનુસાર શિવરાજપુર બીચનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 28 Nov 2026 06:50 PM (IST)Updated: Sat, 28 Nov 2026 06:50 PM (IST)
devbhumi-dwarka-shivrajpur-beach-tourism-project-inaugurated-by-cm-bhupendra-patel

CM Bhupendra Patel Dwarka Visit: દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ બ્લુ ફ્લેગ બીચ શિવરાજપુર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ₹102 કરોડના ખર્ચે વિકસાવેલી પ્રવાસન સુવિધાનું લોકાર્પણ કર્યું હતું. પ્રોજેક્ટના ભાગરૂપે સાયકલ ટ્રેક, સ્નોર્કલિંગ પ્લાઝા, પ્રોમોનેડ, એમ્ફીથિયેટર, ઈવેન્ટ ગ્રાઉન્ડ સહિત અનેક આકર્ષણો અને માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

શિવરાજપુર બીચ પર પ્રવાસન સુવિધાનો વિકાસ

દેવભૂમિ દ્વારકાના મનોહર અને શાંત દરિયાકિનારાના બ્લુ ફ્લેગ બીચ શિવરાજપુર ખાતે પ્રવાસન વિભાગ દ્વારા અંદાજે ₹102 કરોડથી વધુના ખર્ચે પ્રવાસન અને યાત્રી સુવિધાઓ વિકસાવવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સુવિધાનું લોકાર્પણ કર્યું હતું.

પર્યટન, પ્રવાસન અને સલામતીને ધ્યાનમાં રાખીને બ્લૂ ફ્લેગના વૈશ્વિક ધોરણો અનુસાર શિવરાજપુર બીચનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટનો હેતુ પ્રવાસીઓ માટે વધુ સુવિધાજનક અને આકર્ષક પ્રવાસન સ્થળ ઊભું કરવાનો છે.

naidunia_image

ફેઝ-1માં ₹23.43 કરોડના કામોનું લોકાર્પણ કરાયું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિવરાજપુર બીચ ખાતે ₹23.43 કરોડના ખર્ચે ફેઝ-1 અંતર્ગત વિકસાવવામાં આવેલી પ્રવાસન સુવિધાઓનું લોકાર્પણ કર્યું હતું. આ તબક્કામાં અરાઈવલ પ્લાઝા, સ્નોર્કલિંગ પ્લાઝા, સાયકલ ટ્રેક, પ્રોમોનેડ, પાથ-વે, સાઈનેજિસ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત પીવાના પાણી, લોકર રૂમ, પાર્કિંગ, ટોયલેટ બ્લોક, ચેન્જિંગ રૂમ, ઈલેક્ટ્રિક વર્ક, અન્ડરગ્રાઉન્ડ ટેન્ક અને સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવી સુવિધાઓથી પ્રવાસીઓને બીચ પર આવવા-જવા, ફરવા અને વિવિધ પ્રવાસન પ્રવૃત્તિઓનો લાભ લેવા માટે વધુ સારી વ્યવસ્થા ઉપલબ્ધ થશે.

ફેઝ-2માં ₹78.85 કરોડના ખર્ચે વિવિધ આકર્ષણો

આ પ્રોજેક્ટના ફેઝ-2 અંતર્ગત અંદાજે ₹78.85 કરોડના ખર્ચે વિવિધ પ્રવાસનલક્ષી સુવિધાઓ અને માળખાકીય વિકાસના કામો કરવામાં આવ્યા છે. આ તબક્કામાં ઈવેન્ટ ગ્રાઉન્ડ, એમ્ફી થિયેટર, ફોર્ટ રિસ્ટોરેશન, બોર્ડવોક, લાઈફ ગાર્ડ ટાવર, જુદા-જુદા ડેક અને બીચ લાઈટિંગ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે.

આ ઉપરાંત ચેન્જિંગ રૂમ, શાવર રૂમ, કિયોસ્ક, રેસ્ટોરન્ટ, કમ્પાઉન્ડ વોલ અને ફેન્સિંગ, ઇરીગેશન વર્ક, હોર્ટિકલ્ચર વર્ક, ચિલ્ડ્રન પ્લે એરિયા અને શૌચાલય સહિતની સુવિધાનો પણ સમાવેશ થાય છે. આ તમામ સુવિધાઓ શિવરાજપુર બીચને પ્રવાસીઓ માટે વધુ આકર્ષક બનાવવાની સાથે તેમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી છે.

પ્રવાસનથી સ્થાનિકો માટે રોજગારીની નવી તક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં ટુરિઝમના વિકાસથી સર્વિસ સેક્ટરનું મહત્વ વધ્યું છે. શિવરાજપુર બીચના વિકાસથી રોજગારીની નવી તકો ઊભી થશે અને સ્થાનિક યુવાનોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા રોજગાર પ્રાપ્ત થશે. પ્રવાસન ક્ષેત્રના વિકાસથી સમગ્ર ઇકોનોમી સાયકલને વેગ મળશે.

વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલા સસ્ટેનેબલ ડેવલપમેન્ટના મંત્રને અનુસરીને પ્રવાસન ક્ષેત્ર રાજ્યની અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે. આ પ્રસંગે પ્રવાસન સચિવ અને સંબંધિત અધિકારીઓએ શિવરાજપુર બીચ ખાતે વિકસાવવામાં આવેલી પ્રવાસનલક્ષી સુવિધાઓ અંગે મુખ્યમંત્રીને વિસ્તૃત જાણકારી આપી હતી.

naidunia_image

CM ભૂપેન્દ્ર પટેલે દ્વારકાધીશ મંદિરમાં દર્શન કર્યા

શિવરાજપુર બીચ ખાતે પ્રવાસન સુવિધાઓનું લોકાર્પણ કરતા પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર યાત્રાધામ દ્વારકાની મુલાકાત લીધી હતી. જગત મંદિર ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી ભાવપૂર્વક પૂજા-અર્ચના કર્યા બાદ મુખ્યમંત્રીએ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવીને રાજ્યના સર્વાંગી વિકાસ તેમજ નાગરિકોની સુખાકારી, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.

naidunia_image

જગત મંદિરમાં દર્શન કરીને મુખ્યમંત્રીએ ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસરમાં ઉપસ્થિત દર્શનાર્થીઓનું તેમણે હાથ જોડીને 'જય દ્વારકાધીશ' કહી અભિવાદન કર્યું હતું. શ્રી દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ, જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના તેમજ પૂજારી દ્વારા મુખ્યમંત્રીનું દ્વારકાધીશજીની છબી અર્પણ કરીને અને ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.