Devbhumi Dwarka: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા ઓખાને બેટ દ્વારકા સાથે જોડતાં સિગ્નેચર બ્રિજનું મોટાભાગનું કામકાજ પૂર્ણ થઈ ચૂક્યું છે. આજે આ બ્રિજનો લોડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં પથ્થર ભરેલી 48 જેટલી ટ્રકોને 24 કલાક સુધી બ્રિજ પર ઉભી રાખવામાં આવી હતી.
ઓખાને બેટ દ્વારકા સાથે જોડતા આ 2320 મીટર લાંબા સિગ્નેચર બ્રિજને આજે જોડી દેવામાં આવ્યો હતો. જે તેનો લોડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. સિગ્નેચર બ્રિજના લોડ ટેસ્ટ માટે 48 જેટલી ટ્રકોમાં હેવી માલસામાન અને પથ્થરો ભરીને તેને 24 કલાક સુધી બ્રિજ પર ઉભી રાખવામાં આવી હતી. લોડ ટેસ્ટમાં સામેલ એક ટ્રકની અંદર અંદાજે 47 જેટલો સામાન ભરવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરીમાં 150 જેટલા લોકોએ કામગીરી કરી હતી.
રૂ. 978 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ બ્રિજ આગામી માર્ચ સુધીમાં ખુલ્લો મૂકાઈ શકે છે. એક વખત આ બ્રિજ શરૂ થઈ ગયા બાદ કૃષ્ણભક્તો તેમજ સ્થાનિક નાગરિકોને ઓખાથી બેટ દ્વારકા જવા માટે ફેરી બોટની મદદ નહીં લેવી પડે. એક અંદાજ અનુસાર, દ્વારકામાં દર વર્ષે 20 લાખથી વધુ ભક્તો બેટ દ્વારકાના દર્શન કરવા માટે આવે છે. આ ઉપરાંત 8 હજાર જેટલા સ્થાનિક લોકોને પણ ઓખા જવા માટે ફેરી બોટની મદદ લેવી પડે છે.
જણાવી દઈએ કે, બેટ દ્વારકા એક ટાપુ છે, જે ચારો તરફ સમુદ્રથી ઘેરાયેલો હોવાના કારણે બોટની મદદથી જ અહીં પહોંચી શકાય છે. જો કે હવે માર્ચ સુધીમાં બ્રિજ શરૂ થઈ જશે, તે બાદ બેટ દ્વારકાના લોકોને મોટી રાહત થશે. આ ઉપરાંત બ્રિજ ખુલ્લો મૂકાયા બાદ અહીં ટુરિઝમની પણ તકો ઉજળી બનવાની સંભાવના છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
