Devbhumi Dwarka News: છેલ્લા કેટલાક દિવસોથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા સનાતનીઓની ધાર્મિક લાગણીઓ દુભવવામાં આવી રહી છે. જલારામ બાપા, દ્વારકાધીશ અને ગંગા મૈયા અંગે સ્વામિનારાયણના સાધુ અને તેમના અનુયાયીઓએ કરેલી ટિપ્પણીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એવામાં જાણીતા ગુજરાતી લોકકલાકાર માયાભાઈ આહીરે દ્વારકાધીશ પર કરવામાં આવેલી ટિપ્પણીને વખોડી નાંખી છે.
માયાભાઈ આહીરે જણાવ્યું કે, મારી ગૂગળી બ્રહ્મ સમાજના અધ્યક્ષસ સમસ્ત બ્રહ્મ સમાજ, આહીર સેનાના પ્રમુખ સાથે વાત થઈ છે. આજે સમગ્ર સનાતન ધર્મ ઉભો થયો છે. જાણી જોઈએ કરવામાં આવે તેને ભૂલ કે બફાટ ના કહેવાય. તેઓ (સ્વામીનારાયણના સાધુ) છાપેલી વાતો કહી રહ્યા છે. આમ જાણી જોઈને દ્વારકાધીશ કરતાં મોટું થવાની કોશિશ ના કરાય. હજુ સુધી દ્વારકાધીશનો નેજો અર્થાત 52 ગજની ધજા બીજા કોઈ ભગવાનના મંદિર પર નથી. દ્વારકામાં ભગવાન કૃષ્ણ છે, જે જગદગુરુ છે.
એક સ્વામીએ એવો પણ વીડિયો મૂક્યો હતો જેમાં 'યદા-યદા હી ધર્મસ્ય' કોના માટે લખાયું, તેના ખુલાસા કરવામાં આવ્યા હતા. આમ કરીને તમે સનાતનને તોડશો નહીં, પરંતુ તેની સાથે રહો અને તેની પૂજા કરો. દ્વારકાધીશથી મોટું કોઈ ના હોઈ શકે.
દ્વારકાધીશ આપણા સૌની આસ્થાનું પ્રતિક છે. તેમના વિશે આવી વાતો સહન ના થાય. આવી ટિપ્પણીઓથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે છે, જે સમાજ માટે યોગ્ય નથી. દ્વારકાધીશ ભગવાન વિશે કોઈ પણ પ્રકારની ખોટી વાતો ફેલાવવી એ યોગ્ય નથી. આ આપણા સૌની આસ્થાનો વિષય છે. હું સરકારને વિનંતી કરું છું કે આ મામલે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરે.
સ્વામિનારાયણ ગુરુકુળના નીલકંઠ ચરણનો વીડિયો વાયરલ થયો હતો
સુરતના વેડરોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળના નીલકંઠ ચરણ સ્વામીનો 59 સેકન્ડનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, ભગવાન દ્વારકાધીશે પોતાના નિવાસ માટે મંદિર બનાવવા મહારાજને પ્રાર્થના કરી હતી.
અગાઉ સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તક 'શ્રીજી સંકલ્પમૂર્તિ સદ્દગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતો'માં પણ દ્વારકાધીશ ભગવાન પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. જેમાં 'દ્વારકામાં હવે ભગવાન ક્યાંથી હોય, દર્શન કરવા હોય, તો વડતાલ જાવ' તે પ્રકારનું લખાણ લખવામાં આવ્યું હતુ. જેને લઈને પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
