Devbhumi Dwarka: અત્યાર સુધી આપણે અનેક એવા અનોખા ભક્તો જોયા હશે, તે પોતાની મનોકામના પૂર્ણ થાય માટે આકરા ઉપવાસ અને કઠોર તપ કરતા હોય છે. જો કે આજે દેવભૂમિ દ્વારકામાં ખાતે રામાનંદી સંપ્રદાયના મહંત સત્યનારાયણદાસ દંડવત કરતા-કરતા કઠોર તપસ્યા કરીને પહોંચ્યા હતા. જ્યાં તેમણે દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવીને ધન્યતા અનુભવી હતી.
ગૌ રક્ષા અને વિશ્વ કલ્યાણની ભાવના સાથે મહંત સત્યનારાયણ દાસ 2017માં અયોધ્યાથી નીકળ્યા હતા. જ્યાંથી દંડવત્ત કરતા-કરતાં તેમણે આજે દ્વારકા સ્થિત જગત મંદિર સુધીની પોતાની કઠીન યાત્રા પૂરી કરી હતી. અહીં સંકિર્તન મંદિરમાં દર્શન કરીને તેમણે રામધૂન પણ બોલાવી હતી.
આ અંગે મહંત સત્યનારાયણ દાસે જણાવ્યું કે, મારી જન્મભૂમિ મધ્ય પ્રદેશના વિદિશામાં છે. જ્યાં ભગવાને મને દર્શન આપ્યા હતા. જે બાદ મેં મારી દંડવત્ત યાત્રા શરૂ કરી હતી. મેં રામ જાનકી મંદિરથી મથુરા, વૃંદાવન, ગોકુળ, બરસાણા, કાશી, અયોધ્યા, પ્રયાગરાજ, ચિત્રકૂટ, ઓમકારેશ્વર, ઉજ્જૈન અને ડાકોર થઈને દ્વારકા પહોંચ્યો છે. મારી આ યાત્રા દરમિયાન મારે પાંચ જ્યોતિર્લિંગના દર્શન કરવાના છે. જેમાં સોમનાથ અને નાગેશ્વર ગુજરાતમાં છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, મારી આ દંડવત યાત્રાનો મુખ્ય હેતુ ગૌ રક્ષા અને વિશ્વ કલ્યાણનો છે. હું દરરોજ 3 થી 4 કિલોમીટરનું અંતર દંડવત યાત્રા કરીને કાપું છું. તેઓ અયોધ્યાના એક અખાડામાં રામનામની દિક્ષા લઈ ચૂક્યા છે.
