મધદરિયે મુશ્કેલીમાં માછીમારો માટે બોટ એમ્બ્યુલન્સ બની ‘દેવદૂત’;777 તબીબી કટોકટી કેસો સફળતાપૂર્વક એટેન્ડ કરાયા

ગુજરાતના દરિયાકાંઠે કાર્યરત બોટ એમ્બ્યુલન્સ સેવાઓએ એપ્રિલ 2018 થી સપ્ટેમ્બર 2026 દરમિયાન 777 તબીબી કટોકટીમાં મદદ કરી છે. આ સેવાઓ માછીમારો અને ટાપુવાસીઓ માટે, ખાસ કરીને પ્રસૂતિ સંબંધિત કેસોમાં, જીવનરક્ષક સાબિત થઈ છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 18 Oct 2026 12:01 AM (IST)Updated: Sun, 18 Oct 2026 12:01 AM (IST)
boat-ambulance-becomes-guardian-angelfor-fishermen-777-medical-emergency-cases-successfully-attended

Gandhinagar News:ગુજરાતના દરિયાકાંઠે કાર્યરત બોટ એમ્બ્યુલન્સ સેવાઓ દ્વારા એપ્રિલ 2018થી સપ્ટેમ્બર 2026 દરમિયાન કુલ 777 તબીબી કટોકટીના કિસ્સાઓમાં તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં માછીમારોને દરિયાની અંદરમાં તાત્કાલિક તબીબી સહાયની જરૂર પડે તો તે પુરી પાડવા માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ સેવા દ્વારા માછીમારો દરિયામાં હોય અથવા દરિયાકાંઠાના વિસ્તારો અને ટાપુઓમાં રહેતા લોકોને સમયસર અને મહત્ત્વપૂર્ણ તબીબી સહાય પૂરી પાડવામાં દેવદૂત બને છે.

વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલી બોટ એમ્બ્યુલન્સ સેવા દરિયાઈ કટોકટીના સમયે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ખાસ કરીને એવા વિસ્તારોમાં રહેતા લોકોને આરોગ્યસેવા પૂરી પાડવામાં આ સેવા મદદરૂપ બને છે, જ્યાં રસ્તા કરતાં જળમાર્ગે પહોંચવું વધુ સરળ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સરકારે એવી મજબૂત વ્યવસ્થા ગોઠવી છે કે, લોકો જ્યાં રહે છે, કે કે કામ કરે છે ત્યાં સુધી આરોગ્યસેવાઓ પહોંચાડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

કટોકટીના સમયે તબીબી સહાયની કામગીરી વધુ અસરકારક બનાવવા અને દર્દીને ઘટનાસ્થળેથી હોસ્પિટલ સુધી પહોંચાડવામાં લાગતો સમય ઘટાડવા માટે એવા સ્થળોએ બોટ એમ્બ્યુલન્સ ગોઠવવામાં આવી છે કે, જ્યાં રસ્તા કરતાં જળમાર્ગ વધુ સુલભ છે. આ સેવા 108 ઇમરજન્સી રિસ્પોન્સ સર્વિસના અભિન્ન અંગ તરીકે કાર્યરત છે.

ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યના દરેક ખૂણે, દરિયાની વચ્ચે પણ, આરોગ્યસેવાઓ પહોંચાડવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. ટાપુઓ પર રહેતા લોકો, દરિયાકાંઠાનાં ગામોના રહેવાસીઓ અને દરિયામાં માછીમારી કરતા માછીમારોને આરોગ્યસેવામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા બોટ એમ્બ્યુલન્સ તહેનાત કરવામાં આવી છે. આ બોટ એમ્બ્યુલન્સ દ્વારા સંબંધિત વિસ્તારોમાં હોસ્પિટલ પહોંચતાં પહેલાં જરૂરી તબીબી સારવાર અને દર્દીઓને સુરક્ષિત રીતે આરોગ્યસુવિધા સુધી પહોંચાડવાની જીવનરક્ષક સેવા પૂરી પાડવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા બે બોટ એમ્બ્યુલન્સનું સંચાલન કરવામાં આવે છે. તેમાંથી એક દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા ખાતે અને બીજી પોરબંદર ખાતે કાર્યરત છે.

રાજ્ય સરકાર દ્વારા બોટ એમ્બ્યુલન્સમાં તમામ પ્રકારની ઈમરજન્સી સારવાર પણ આપી શકાય તે હેતુથી બોટની અંદર અગત્યના મેડિકલ સાધનો, ઓક્સિજન સપોર્ટ સિસ્ટમ અને લાઇફ સેવિંગ ડ્રગ્સ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તે પ્રમાણેનું બોટનું એક અદ્યતન એમ્બ્યુલન્સમાં રૂપાંતરણ કરવામાં આવ્યું છે.

આ સમયગાળા દરમિયાન નોંધાયેલા કુલ 777 કટોકટીના કિસ્સાઓમાંથી ઓખા સ્થિત બોટ એમ્બ્યુલન્સે 720 કિસ્સાઓમાં પ્રતિસાદ આપ્યો હતો, જે કુલ કિસ્સાઓના આશરે 92.7 ટકા થાય છે. જ્યારે પોરબંદર સ્થિત બોટ એમ્બ્યુલન્સ દ્વારા બાકીના 57 કિસ્સાઓમાં તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી.

કટોકટીના સમયે દર્દીઓને સ્થળાંતરિત કરવાનાં મુખ્ય કારણોમાં પ્રસૂતિ સંબંધિત તકલીફો પ્રથમ ક્રમે રહી હતી. આવા કુલ 355 કિસ્સાઓ નોંધાયા હતા, જે કુલ કિસ્સાઓના આશરે 45.7 ટકા છે. ઓખા સ્થિત બોટ એમ્બ્યુલન્સ દ્વારા પ્રસૂતિ સંબંધિત તકલીફોના 350 કિસ્સાઓમાં, જ્યારે પોરબંદર સ્થિત બોટ એમ્બ્યુલન્સ દ્વારા પાંચ કિસ્સાઓમાં સહાય પૂરી પાડવામાં આવી હતી.