દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદના અભાવે મગફળીનો પાક સુકાયો, ખેડૂતે ઉભા પાકમાં ટ્રેક્ટર ફેરવ્યું

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા મગફળીનો પાક સુકાઈ ગયો. ખંભાળિયાના લાલપરડા ગામે લાચાર ખેડૂતે ઉભા પાકમાં ટ્રેક્ટર ફેરવી પાક નષ્ટ કર્યો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 02 Sep 2026 03:55 PM (IST)Updated: Wed, 02 Sep 2026 03:55 PM (IST)
devbhoomi-dwarka-peanut-crop-farmer-tractor-rain-shortage

Devbhoomi Dwarka News: ગુજરાતમાં આ વર્ષે ચોમાસા દરમિયાન વરસાદની અસમાન અને અનિયમિત સ્થિતિ જોવા મળી રહી છે, જેના કારણે અનેક વિસ્તારોમાં ખેડૂતો ઉપર આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાવાના કારણે ખેતીની હાલત અત્યંત દયનીય બની ચૂકી છે. જિલ્લામાં સમયસર પૂરતો વરસાદ ન વરસવાને કારણે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે.

ખેડૂતે ઉભા પાક પર ટ્રેક્ટર ફેરવ્યું

તાજેતરમાં ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામેથી એક હૃદયદ્રાવક અને કાળજાળ વેદના સામે આવી છે. જ્યાં વરસાદના અભાવે સળગી ગયેલા મગફળીના પાકને જોઈને લાચાર ખેડૂતે મજબૂર બનીને ઉભા પાકમાં ટ્રેક્ટર ફેરવી દેવું પડ્યું છે. ખંભાળિયાના લાલપરડા ગામે રહેતા આ પીડિત ખેડૂતે ભારેખમ ખર્ચ કરીને પોતાની જમીનમાં મગફળીના પાકની વાવણી કરી હતી. શરૂઆતમાં પાક સારો ઉગી પણ નીકળ્યો હતો,

પાણીની અછત સર્જાતા વિકટ પરિસ્થિતિ સર્જાઈ

લાંબા સમય સુધી વરસાદ ન ખેંચાતા અને મેઘરાજાએ મોં ફેરવી લેતા મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો હતો. પરિસ્થિતિ એવી વિકટ બની કે જમીનમાં પાણીની તીવ્ર અછત સર્જાઈ હતી. ખેતરના કુવા અને બોરમાં પણ ભૂગર્ભ જળના તળ ઊંડા ઉતરી જવાના કારણે પાણી સંપૂર્ણપણે ખૂટી પડ્યા હતા. પાણીના અભાવે પાકને પૂરતી સિંચાઈ આપવી અશક્ય બની ગઈ હતી. જેના લીધે હર્યો-ભર્યો મગફળીનો પાક આંખની સામે જ સુકાવા લાગ્યો હતો.

ખેડૂતે ભારે હૈયે મગફળીનો પાક કાઢી નાખ્યો

પાક સંપૂર્ણપણે નિષ્ફળ જાય અને વધુ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે તે પહેલાં ખેડૂતે ભારે હૈયે મગફળીનો પાક ખેતરમાંથી કાઢી લેવાનો નિર્ણય કર્યો હતો. જે પાકમાંથી સારો એવો આર્થિક મોલ મળવાની આશા હતી, તે નિરાશામાં ફેરવાઈ ગયો છે. હવે આ બચેલા અને સુકાઈ રહેલા મગફળીના પાકને જમીનમાંથી નષ્ટ કરીને પશુઓના ઘાસચારા તરીકે ઉપયોગમાં લેવાની લાચારી ખેડૂત પર આવી પડી છે.