Devbhoomi Dwarka: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીકના બરડા ડુંગર વિસ્તારમાંથી પોલીસને ઝાડ પર લટકતી હાલતમાં બે માનવ હાડપિંજર મળી આવ્યા હતા. પોલીસ અધિકારીઓ અને તેમની ટીમે લાંબા સમય પછી લટકતી હાલતમાં મળી આવેલા બે લોકોના હાડપિંજર અંગે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર, ભાણવડ નજીકના બરડા ડુંગર વિસ્તારમાં આવેલા કિલેશ્વર નેસમાં માનવ હાડપિંજર પડેલા હોવાની સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના પગલે સ્થાનિક પોલીસની એક ટીમ બરડા વિસ્તારના ગાઢ જંગલમાં આ સ્થળે પહોંચી હતી.
પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે, બે અજાણ્યા વ્યક્તિઓએ ઘણા સમય પહેલા અગમ્ય કારણોસર ગાઢ જંગલ વિસ્તારમાં આમલીના ઝાડ પરથી સફેદ દોરા વડે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. આ સંદર્ભે ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ અને પીઆઈ પ્રશાંત બ્રહ્મભટ્ટ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને વિવિધ દિશામાં તપાસ શરૂ કરી હતી.
આ સાથે જ ઉપરોક્ત માનવ હાડપિંજરના સંબંધમાં કોઈ બે લોકો ગુમ છે કે કેમ તે જાણવા માટે પોલીસે આ વિસ્તારમાં પણ શોધખોળ શરૂ કરી છે.
એટલું જ નહીં, FSL તપાસ તેમજ પેનલ પીએમ અને અન્ય પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવી હતી. જ્યારે બે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા કરાયેલી આ સંભવિત આત્મહત્યા અને લાંબા સમય પછી મૃતદેહની જગ્યાએ મળી આવેલા હાડપિંજરને કારણે સ્થાનિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. આ કેસમાં વધુ તપાસ ભાણવડના ઇન્ચાર્જ પીઆઈ કેકે મારુ કરી રહ્યા છે. હાલમાં આ બંને પ્રેમી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, સમગ્ર ઘટનાનું સત્ય તપાસ બાદ જ બહાર આવશે.
