Devbhoomi Dwarka: દેવભૂમિ દ્વારકા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં રખડતા ઢોરોનો ત્રાસ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. થોડા દિવસ અગાઉ દ્વારકામાં યુદ્ધે ચડેલો આખલો હોટલનો દરવાજો તોડીને અંદર ઘૂસી ગયો હતો, ત્યારે હવે ખંભાળિયામાં વિફરેલા આખલાના કારણે અકસ્માત સર્જાયો છે. જેમાં વિફરેલો આખલો અચાનક રોડ પરથી પસાર થતાં બાઈક પર કૂદ્યો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર યુવક અને યુવતીને ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.
ખંભાળિયા રેલવે સ્ટેશન રોડ પરની આ સમગ્ર ઘટના નજીકના CCTVમાં કેદ થઈ ગઈ છે. આ ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, રાતના સમયે કૂતરાઓ ભસી રહ્યા છે, ત્યારે એક આખલો રસ્તાની સાઈડમાં ઉભો રહ્યો છે અને રસ્તા પરથી એક પછી એક વાહનો પસાર થઈ રહ્યા છે. આ દરમિયાન અચાનક આખલો વિફરે છે અને રોડ પર ધસી આવે છે. આ સમયે બાઈક પર એક યુવક અને યુવતી ત્યાંથી પસાર થઈ રહ્યા હોય છે. વિફરેલો આખલો બાઈક પર કૂદી પડે છે. જેના કારણે બાઈક પર રહેલા યુવક-યુવતી ફંગોળાઈને રોડ પર નીચે પટકાય ચે. આ ઘટનામાં બન્ને ઈજાગ્રસ્ત થાય છે.
આ ઘટનાએ વધુ એક વખત ખંભાળિયા શહેરમાં રખડતા ઢોરની સમસ્યાને એકવાર પ્રકાશમાં લાવી છે. સ્થાનિકોનું કહેવું છે કે, રખડતા આખલાઓનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ટૂ-વ્હીલર ચાલકો અને રાહદારીઓ અકસ્માતનો સૌથી વધારે ભોગ બને છે.
VIDEO: ખંભાળિયામાં રખડતા ઢોરોનો આતંક, વિફરેલો આખલો રસ્તા પરથી પસાર થતાં બાઈક પર કૂદી પડ્યો; 2ને ઈજા pic.twitter.com/CSSWKIzhn4
— Gujarati Jagran (@gujaratijagran) May 30, 2025
અવારનવાર રખડતા પશુઓની સમસ્યા સામે આવતી હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવતા નથી. રખડતા પશુઓને નિયંત્રિત કરવા માટે ગૌ શાળાની વ્યવસ્થા કરવામાં આવે અથવા રસ્તા પર રખડતા પશુઓને રોકવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
બીજી તરફ આ ઘટનાની જાણ થતાં ખંભાળિયા પોલીસ મથકની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જેમણે CCTV ફૂટેજના આધારે અકસ્માતના સંજોગોની તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ વધુ એક વખત રોડ સેફ્ટી અને રખડતા પશુઓના નિયંત્રણના મુદ્દે ચર્ચા જગાવી છે.
