'મુખ્યમંત્રી પણ કોળી સમાજના હોવા જોઈએ', દ્વારકાના કાર્યક્રમમાં પબુભા માણેકે આપેલું નિવેદન ચર્ચામાં

હીરા સોલંકીની ઉપસ્થિતિમાં કોળી સમાજને સંબોધન કરતી વખતે પબુભા માણેકે જણાવ્યું હતું કે, તમારો સમાજ ગુજરાતના સ્તરે બીજા નંબરનો સમાજ છે. મુખ્યમંત્રી પણ તમારા સમાજના હોવા જોઈએ.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 16 Nov 2026 05:19 PM (IST)Updated: Mon, 16 Nov 2026 05:19 PM (IST)
devbhoomi-dwarka-news-pabubha-manek-says-gujarat-cm-should-be-from-koli-community

Devbhoomi Dwarka News: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2027ને હજી વાર છે, જોકે વિવિધ સમાજ દ્વારા અત્યારથી પોત-પોતાનું વર્ચસ્વ દર્શાવવામાં આવી રહ્યું છે. રાજકીય નિવેદનો અને સામાજિક સમીકરણો શરૂ થઇ ગયા છે, જેને લઇને ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. હવે દ્વારકામાં કોળી સમાજના એક કાર્યક્રમમાં ધારાસભ્ય પબુભા માણેકે કરેલું નિવેદન ચર્ચામાં છે. તેમણે માતાજીના માંડવા કાર્યક્રમમાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી તમારા(કોળી) સમાજનો હોવો જોઇએ.

મુખ્યમંત્રી પણ તમારા સમાજના હોવા જોઈએઃ પબુભા માણેક

ગત 12 નવેમ્બરના રોજ દ્વારકામાં કોળી સમાજની વાડી ખાતે માતાજીના માંડવાના પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પબુભા માણેક ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી પણ ઉપસ્થિત હતી. હીરા સોલંકીની ઉપસ્થિતિમાં કોળી સમાજને સંબોધન કરતી વખતે પબુભા માણેકે જણાવ્યું હતું કે, તમારો સમાજ ગુજરાતના સ્તરે બીજા નંબરનો સમાજ છે. મુખ્યમંત્રી પણ તમારા સમાજના હોવા જોઈએ. પરંતુ સમસ્યા એ છે કે જાગૃકતા નથી.

તેમણે વધુમાં કહ્યું હતું કે, અત્યાર સુધી જે કંઈ થયું છે તે આપણા વડીલોએ પણ સારું જ કર્યું હશે, પરંતુ હવે યુવાનોએ ખરેખર જાગૃત થવાની જરૂર છે. વ્યસનો અને કુરિવાજો છોડવા અંગે સમાજે વિચાર કરવો જોઇએ. હીરા સોલંકી અને તેમનું કુટુંબ તથા આગેવાનો દ્વારા જાગૃતિ માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે, પરંતુ આગેવાનો માત્ર રસ્તો ચીંધે અમલ તો સમાજે જાતે કરવો પડે છે.

પબુભા માણેકના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ

પબુભા માણેકના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. ચૂંટણીને હજુ સમય હોવા છતાં સમાજ આધારિત રાજકીય સમીકરણો અને નેતૃત્વના મુદ્દે થયેલી આ ટિપ્પણીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ખાસ કરીને કોળી સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ તેવા નિવેદનને લઈને હવે રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ થઈ રહી છે.

અમરાપુરામાં કોળી સમાજના સંમેલન બાદ રાજકીય ચર્ચા થઇ હતી

ઉલ્લેખનીય છેકે થોડા સમય પહેલા રાજકોટના અમરાપુરામાં કોળી સમાજના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન પૂર્વ સાસંદ દેવજી ફતેપરા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે, કુંવરજી બાવળિયા 2027માં મંત્રી બનશે. આ નિવદેન બાદ કોળી સમાજમાં એક રોષ જોવા મળ્યો હતો. કોળી સમાજના આગેવાન પ્રવીણ કોળી દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે, કુંવરજી બાવળિયાએ નિવૃત્તિ લઇ લેવી જોઇએ. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તળાજા બેઠક પરથી પરસોત્તમ સોલંકીનો પુત્ર દિવ્યેશ સોલંકી ચૂંટણી લડશે અને જીતશે.