Devbhoomi Dwarka News: દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામમાં કરૂણ ઘટના બની છે. સોની પરિવારના ઘર કંકાશમાં પત્નીને ઢોર મારી પતિએ તેની હત્યા કરી હતી અને બાદમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પતિ અને પત્નીના મોતથી ત્રણ સંતાનો નોંધારા બન્યા છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, કલ્યાણપુરના ભોગાતમાં શૈલેષ ઘઘડા, પત્ની જશુબેન ઘઘડા, 15 વર્ષીય પુત્રી અને બે નાના પુત્રો સાથે રહેતા હતા. આજે પહોરે ચાર વાગ્યાની આસપાસ શૈલેષભાઈ અને જશુબેન વચ્ચે બોલાચાલી થઇ હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરુપ ધારણ કરી લેતા ઉશ્કેરાયેલા શૈલેષભાઇએ જશુબેનને મૂઢ માર માર્યો હતો.
જશુબેનને અગાઉ અકસ્માતમાં હેમરેજ જેવી ઇજા પહોંચી હતી અને આજરોજ શૈલેષભાઈએ માર મારતા તેમને જૂની ઇજાના ભાગે ફરી વાગતા તેઓ મૂર્છીત થઇ ગયા હતા. સવારે 9.30 વાગ્યાની આસપાસ શૈલેષભાઈ પત્ની જશુબેનને ઉઠાડવા માટે ગયા હતા. પરંતુ તે નહીં ઉઠતા કંઇક અજુગતું થયું હોવાનો તેમને ભાસ થયો હતો.
શૈલેષભાઈએ ત્રણેય સંતાનોને કહ્યું હતું કે તમારા મમ્મી ઉઠતા નથી. તેથી માતાજીને દીવો કરીને આવો. સંતાનો માતાજીને દીવો કરવા મંદિરે જતાં શૈલેષભાઈએ ઘરના રસોડામાં પંખા પર ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે કલ્યાણપુર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પહોંચી હતી. શૈલેષભાઈ અને જશુબેનના મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. મૃતક શૈલેષભાઈ વિરુદ્ધ પત્નીની હત્યા નિપજાવ્યાનો ગુનો નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
