ગાંધીનગરના સેક્ટર-24માં મહિલાએ કરી આત્મહત્યા,પતિની રીલ્સના શોખથી કંટાળીને અંતિમ પગલું ભર્યુ હોય તેવી આશંકા!

ગાંધીનગરના સેક્ટર-24ના ઇન્દિરાનગરમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો. પતિના Instagram Reels બનાવવાના શોખને લઈને બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોવાની પોલીસ તપાસમાં માહિતી સામે આવી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 10 Sep 2026 09:55 AM (IST)Updated: Thu, 10 Sep 2026 09:55 AM (IST)
gandhinagar-sector-24-woman-suicide-husband-reels-habit

Gandhinagar News: આજના જમાનામાં નાનાથી માંડીને મોટા સૌકોઈને સોશિયલ મીડિયા અને રીલ્સનું વળગણ છે. પરંતુ ઘણીવાર રીલ્સ અને સોશિયલ મીડિયાના ઘણા માઠા પરિણામો ભોગવવા પડતાં હોય છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો ગાંધીનગરમાંથી સામે આવ્યો છે.ગાંધીનગરના સેક્ટર 24માં આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં એક પરીણિતાએ કોઈ કારણોસર અંતિમ પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે.

મહિલાએ ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો

મળતી માહિતી પ્રમાણે, સેક્ટર 24, ઈંદિરાનગર વિસ્તારમાં સંજય ભીલ તેની પત્ની મુસ્કાન સાથે રહેતો હતો. તેમના લગ્નને સાત વર્ષ થયા હતા. આ દંપતિને સંતાનમાં બે માસૂમ દિકરીઓ છે. પતિ સંજય છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું પેટ ભરતો હતો. આ યુવકને ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવાનો ઘણો શોખ હતો. આથી બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

પતિના રીલ્સના શોખથી વિવાદ થતો

જ્યારે પતિ મજૂરીએ ગયો હતો. ત્યારે તેના પડોશીનો ફોન તેના પર આવ્યો કે જલ્દી ઘરે આવે, પતિએ ઘરે આવીને જોયું તો તેની પત્ની મુસ્કાને પંખે ગળે ફાંસો ખાઇ લઈને આપઘાત કરી લીધો હતો. ઘટના અંગે પોલીસને જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આ્વ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મૃતક અને તેના પતિ વચ્ચે ઘણા સમયથી રીલ્સ બનાવવા અંગે ઝઘડો થતો હતો.

પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી

પતિ જ્યારે પણ રીલ્સ બનાવે તો મુસ્કાન તેની સાથે ઝઘડો કરતી હતી. પરંતુ મૃતક મહિલાએ આપઘાત કેમ કર્યો તે અંગે કોઈ સચોટ કારણ પ્રસ્તાપિત થઈ શક્યું નથી. પોલીસે પરીણિતાના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે. હાલ સમગ્ર મામલે સેક્ટર 21 પોલીસે ગુનો નોધીને તપાસ હાથ ધરી છે.