Devbhoomi Dwarka News: દેવભૂમિ દ્વારકામાં આજે હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુદર્શન સેતુ ખાતે 2151 ફૂટના તિરંગા સાથે વિશાળ યાત્રા યોજાઈ હતી. વંદે માતરમ અને ભારત માતા કી જય નારાથી સુદર્શન સેતુ બ્રિજ ગુંજી ઉઠ્યો હતો. જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યા, પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય, નગરપાલીકા પ્રમુખ શ્રી રાજુભાઇ કોટક સહિતના મહાનુભાવોએ લીલીઝંડી આપી રેલી પ્રસ્થાન કરાવ્યું હતું. જેનો ડ્રોન વીડિયો સામે આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહિવહી તંત્ર દ્વારા હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે. જેને પગલે આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓળખ સમાં સુદર્શન સેતુ ખાતે 2151 ફૂટ લંબાઈના વિશાળ તિરંગા સાથે જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યા, પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય, પ્રાંત અધિકારી એચ.બી.ભગોરા, નાયબ પોલીસ અધિક્ષક સગર રાઠોડ, ઓખા નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ કોટક સહિતના મહાનુભાવોએ લીલીઝંડી આપી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.
ઓખાના સુદર્શન સેતુ ખાતે યોજાયેલ વિશાળ તિરંગા યાત્રામાં યુવાઓ, બાળકો, પ્રબુદ્ધ નાગરિકો, મહિલાઓ, પોલીસ જવાનો સહિતના વંદે માતરમ્, ભારત માતા કી જયના જયઘોષથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિથી ગુંજી ઉઠ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, દેશના નાગરિકોમાં શહીદો, દેશની આઝાદી માટે બલિદાન આપનારા વીર સપૂતો તેમજ નાગરિકોમાં રાષ્ટ્રભાવના પ્રબળ બને તેવા ઉમદા આશયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં 8થી 15મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. જે અંતર્ગત ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે.
