Devbhoomi Dwarka: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીક કારની અડફેટે અગ્નિવીર જવાનનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. અગ્નિવીર જવાન હૈદરાબાદ ટ્રેનિંગ માટે જાય તે પહેલા જ તેને કાળ ભરખી જતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ખંભાળિયા તાલુકાના વચલા બારા ગામે રહેતા બ્રિજરાજસિંહ સોઢા (20) નામનો યુવક અગ્નિવીર આર્મીની ભરતી પ્રક્રિયામાં સિલેક્ટ થઈ ગયો હતો. જેની ટ્રેનિંગ માટે હૈદરાબાદ જવાનું હોવાથી બ્રિજરાજસિંહ પોતાના ભાઈઓ વિરેન્દ્રસિંહ, શક્તિસિંહ અને મામા દિલીપસિંહ સાથે ઈક્કો કાર લઈને રાજકોટ જવા માટે નીકળ્યા હતા.
આ દરમિયાન તેઓ ખંભાળિયા-દ્વારકા હાઈવે પર આવેલ હંસ્થળ ગામના પાટીયા નજીક રાજકોટની બસની રાહ જોઈ રહ્યાં હતા. આ સમયે પુરપાટ આવતી સ્વિફ્ટ કારના ચાલકે બસની રાહ જોઈ રહેલા બ્રિજરાજસિંહને અડફેટે લઈને 40 ફૂટ સુધી ઢસડતા તેમની ખોપરી ફાટી ગઈ હતી. બીજી તરફ અકસ્માત સર્જ્યા બાદ સ્વિફ્ટ કાર પણ પલટી ખાઈ જતાં તેનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માત બાદ બ્રિજરાજસિંહને લોહીલુહાણ હાલતમાં 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ મામલે મૃતક બ્રિજરાજસિંહના મોટાભાઈ પ્રવિણસિંહ સોઢાની ફરિયાદના આધારે ખંભાળિયા પોલીસે સ્વિફ્ટ કારના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સ્વિફ્ટ કાર સગીર ચલાવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
