Devbhoomi Dwarka: દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રખડતા કૂતરાઓ દ્વારા રસ્તે જતા લોકોને કરડવાની ઘટનાઓ અગાઉ સામે આવી છે. ત્યારે નગરપાલિકા દ્વારા આ ઘટનાને પગલે થોડો સમય કૂતરા પકડવાની કામગીરી અને ખસિકરણની કામગીરી કરવામાં આવે છે. ત્યારબાદ પાલિકાની ટીમ ફરી પાણીમાં બેસી જતા સ્થિતિ જેમની તેમ થઈ જાય છે. ગઈકાલે ભાણવડના રૂપામોરા વિસ્તારમાં 10 વર્ષની બાળકીને કૂતરાઓએ ફાડી ખાતા તેમનું સારવારમાં મોત નિપજ્યું હતું.
ભાણવડના રૂપામોરા વિસ્તારમાં ગત સાંજે એક સગર પરિવારની આશરે 10 વર્ષની બાળાને કૂતરાઓએ ફાડી ખાધાનો કરુણ બનાવ સામે આવ્યો છે. આ અરેરાટીજનક બનાવની જાણવા મળતી વિગત મુજબ, ભાણવડ તાલુકાના રૂૂપામોરા વિસ્તારમાં રહેતા હીરાભાઈ પીપરોતર નામના એક સગર પરિવારની આશરે 10 વર્ષની પુત્રી પુરીબેન ગઈકાલે ચારેક વાગ્યાના સમયે તેમના ઘર નજીક રમતી હતી. ત્યારે એકાએક ચાર-પાંચ જેટલા રખડું કૂતરાઓ તેના પર ત્રાટક્યા હતા.
આ ખૂંખાર કૂતરાઓએ બાળકી પર ઘાતક હુમલો કરતા તેને લોહીલુહાણ હાલતમાં ભાણવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેણીને મૃત્યુ પામેલી જાહેર કરી હતી. આ બનાવથી નાના એવા રૂપામોરા વિસ્તારના લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. આ કરુણ ઘટનાથી મૃતક બાળાના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
