ગુજરાતમાં વધુ એક સરકારી યોજનામાં મોટું કૌભાંડ, બોગસ દસ્તાવેજોના આધારે STના નકલી પ્રમાણપત્રો મેળવવાનો પર્દાફાશ, યુવરાજસિંહ જાડેજાના આકરા પ્રહારો

ભાણવડ અને જામજોધપુર વિસ્તારમાં બોગસ દસ્તાવેજોના આધારે નકલી ST પ્રમાણપત્રો મેળવવાનું કૌભાંડ સામે આવ્યું છે. યુવરાજસિંહ જાડેજાએ રદ્દ કરવા માંગ કરી.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 18 Aug 2026 09:54 PM (IST)Updated: Tue, 18 Aug 2026 09:54 PM (IST)
gujarat-fake-st-certificate-scam-exposed-by-yuvrajsinh-jadeja

Fake ST Certificate Scam: રાજ્યમાં વહીવટી તંત્રની નાક નીચે ચાલતા બોગસ દસ્તાવેજ કૌભાંડોની શ્રેણીમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સૌરાષ્ટ્રના ભાણવડ અને જામજોધપુર તાલુકા વિસ્તારમાં અનુસૂચિત જનજાતિ (ST)ના નકલી જાતિ પ્રમાણપત્રો બનાવીને સરકારી યોજનાઓ, અનામત અને અન્ય લાભો પચાવી પાડવાનું ચકચારી પ્રકરણ બહાર આવ્યું છે. વિદ્યાથી નેતા અને સામાજિક કાર્યકર યુવરાજસિંહ જાડેજાએ આ સમગ્ર કૌભાંડ અંગે તમામ પુરાવાઓ સાથે સણસણતા આક્ષેપો કરી કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે.

જૂના દસ્તાવેજોમાં ગેરરીતિ અને બોગસ સીલ-સહીનો ખેલ

યુવરાજસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર, ગીર, બરડા અને આલેચના જંગલ વિસ્તાર સિવાયના અને મૂળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગામના વતની એવા નરેન્દ્ર ગરચર નામના શખસ અને તેમના પરિવાર દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું છે.

આ કૌભાંડમાં બોગસ દસ્તાવેજો ઊભા કરવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે, જે અંતર્ગત

  • નાયબ નિયામક આદિજાતિ કચેરીનો બનાવટી પત્ર: સરકારી કચેરીના નામે નકલી લેટરપેડ અને સહી-સિક્કા ઊભા કરવામાં આવ્યા.
  • રેન્જ ફોરેસ્ટર જામજોધપુરનો નકલી દાખલો: જામજોધપુર વન વિભાગના અધિકારીનો બોગસ દાખલો બનાવી તેને મુખ્ય આધાર તરીકે રજૂ કરાયો.

વર્ષ 2006માં ઇશ્યૂ કરાયેલા સર્ટિફિકેટ: આ બોગસ કાગળોના આધારે વર્ષ ૨૦૦૬માં ભાણવડ મામલતદાર કચેરીમાંથી બે પુત્રો અને એક પુત્રી માટે ST સમાજના પ્રમાણપત્રો મેળવી લેવાયા હતા.

RTIમાં થયો મોટો વિસ્ફોટ

આ શંકાસ્પદ વ્યવહાર સામે આવતા જ્યારે માહિતી અધિકાર અધિનિયમ (RTI) હેઠળ માહિતી માંગવામાં આવી, ત્યારે સમગ્ર કૌભાંડ પરથી પડદો ઊંચકાયો હતો. RTIના જવાબમાં ભાણવડ મામલતદાર કચેરી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, જે આધાર દસ્તાવેજો (ખાસ કરીને 1977ના સમયના રેકોર્ડ) દર્શાવવામાં આવ્યા છે, તેવો કોઈ રેકોર્ડ સરકારી ચોપડે ઉપલબ્ધ જ નથી અને તે સરકારી કાગળો સંપૂર્ણપણે બનાવટી છે.

સાચા આદિવાસીઓના હક પર તરાપ- યુવરાજસિંહ

સરકાર દ્વારા ગીર, બરડા અને આલેચ વિસ્તારના પરંપરાગત માલધારીઓ અને આદિવાસીઓના કલ્યાણ માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. પરંતુ આ રીતે બોગસ આધાર પુરાવા ઊભા કરીને નકલી દાખલા મેળવનારા તત્વો સાચા હકદારોનો સરકારી હક છીનવી રહ્યા છે. યુવરાજસિંહે આક્ષેપ કર્યો છે કે આટલું મોટું કૌભાંડ વહીવટી કચેરીઓના અધિકારીઓ કે કર્મચારીઓની મિલીભગત અને મોટા નાણાકીય વ્યવહારો વગર શક્ય જ નથી.

તપાસ અને વેલિડિટી સર્ટિફિકેટ રદ કરવા માંગ

આ કૌભાંડ સામે આવ્યા બાદ સ્થાનિક લોકો અને આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માંગ કરવામાં આવી રહી છે કે- 

  • આ તમામ બોગસ પ્રમાણપત્રો અને તેના આધારે મેળવાયેલા વેલિડિટી સર્ટિફિકેટ તાત્કાલિક અસરથી રદ્દ કરવામાં આવે.
  • નકલી સર્ટિફિકેટ મેળવનાર તેમજ તેમને મદદગાર બનનાર કચેરીના જવાબદાર કર્મચારીઓ સામે અપહરણ, કૂટલેખન (Forging) અને છેતરપિંડીની ગુનાહિત ફરિયાદ નોંધવામાં આવે.