Dwarka Free Food Prasad: દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકાના દર્શને પધારતા હોય છે. દૂર-દૂરથી આવતા આ યાત્રિકોને પવિત્ર ધામમાં કોઈપણ જાતની અગવડ ન પડે અને દરેક ભક્તને સરળતાથી ભોજન પ્રસાદ મળી રહે તે માટે સ્થાનિક સંસ્થાઓ અને અગ્રણીઓ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવતા હોય છે. આ દિશામાં એક મોટું પગલું ભરતા યાત્રિકોની સગવડ માટે ફ્રી ભોજન પ્રસાદ યોજનાને વધુ મજબૂત બનાવવામાં આવી છે.
દરરોજ 4,000 જેટલા શ્રદ્ધાળુઓ લેશે પ્રસાદનો લાભ
આ પણ વાંચો
આ વિશેષ સેવા અંતર્ગત દ્વારકાના પ્રસાદાલયમાં આવતા દરરોજ અંદાજે 4,000 જેટલા યાત્રિકોને શુદ્ધ અને સાત્વિક ભોજન પ્રસાદ નિઃશુલ્ક પૂરો પાડવામાં આવશે. અંબાણી પરિવાર અને રિલાયન્સ ફાઉન્ડેશનના આ સહયોગથી યાત્રાધામમાં આવતા સામાન્ય અને શ્રદ્ધાળુ પરિવારોને મોટી રાહત મળી રહેશે.
રિલાયન્સ ફાઉન્ડેશન અને સ્થાનિક પૂજારી સમાજનો સંયુક્ત પ્રયાસ
આ સેવાકીય પ્રકલ્પને સફળ બનાવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન તેમજ શ્રી દ્વારકા ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ 505 સમસ્ત, પૂજારી પરિવાર અને સમસ્ત પંડા સમાજના સંયુક્ત પ્રયાસો સામે આવ્યા છે. આ તમામ સંસ્થાઓના સહકારથી શરૂ થયેલી આ વિનામૂલ્યે ભોજન પ્રસાદ સેવા દ્વારકાધામની યાત્રાને વધુ સુખદ, સાત્વિક અને યાદગાર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
અનંત અંબાણી દ્વારા ઉદાર હસ્તે આર્થિક સહયોગ
દ્વારકા પધારતા અતિથિઓ અને યાત્રિકોની સેવા માટે અંબાણી પરિવાર હંમેશા તત્પર રહ્યો છે. આ જ પરંપરાને આગળ વધારતા યુવા અગ્રણી અંતર અંબાણી દ્વારા યાત્રિકોના ભોજન પ્રસાદ માટે વિશેષ આર્થિક સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે. તેમના આ આર્થિક ટેકાને કારણે અન્નક્ષેત્ર અને ભોજન વિતરણની વ્યવસ્થાને મોટું બળ મળ્યું છે, જેથી વધુમાં વધુ જરૂરિયાતમંદ અને પવિત્ર યાત્રાએ આવેલા ભક્તો સુધી પ્રસાદ પહોંચાડી શકાય.
ભક્તોમાં પ્રસરી ખુશીની લહેર
દ્વારકાધીશના દર્શને આવતા સામાન્ય શ્રદ્ધાળુઓ અને પરિવાર સાથે મુસાફરી કરતા મુસાફરો માટે આ સેવા આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આર્થિક સહયોગ મળવાથી હવે ભોજન શિબિરો અને અન્નક્ષેત્રોમાં વધુ સારી ગુણવત્તાવાળો અને શુદ્ધ સાત્વિક પ્રસાદ નિયમિતપણે પીરસી શકાશે. આ સુંદર વ્યવસ્થાના કારણે ભક્તોમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી રહી છે.
સ્થાનિક અગ્રણીઓ દ્વારા અનંત અંબાણીનો હૃદયપૂર્વક આભાર
યાત્રિકોની સુવિધા માટે આગળ આવેલા અંબાણી પરિવાર અને ખાસ કરીને અનંત અંબાણીના આ ઉમદા કાર્યની સ્થાનિક સ્તરે વ્યાપક પ્રશંસા થઈ રહી છે. દ્વારકાના સામાજિક અગ્રણીઓ, ટ્રસ્ટીઓ અને સ્થાનિક આગેવાનોએ એકત્ર થઈને અનંત અંબાણીનો વિશેષ આભાર માન્યો છે. અગ્રણીઓના જણાવ્યા મુજબ, આવા સેવાકીય કાર્યોથી ધાર્મિક સ્થળો પર આવતા ભક્તોનો ઉત્સાહ બેવડાઈ જાય છે અને સેવાની ભાવના વધુ મજબૂત બને છે.
ધાર્મિક અને સાંસ્કૃતિક ધરોહરની સાથે સેવાકાર્યોનો વ્યાપ
ગુજરાતના પવિત્ર તીર્થક્ષેત્રોમાં આવી લોકઉપયોગી પહેલો થકી ‘અતિથિ દેવો ભવઃ’ ની ભાવના ચરિતાર્થ થઈ રહી છે. અનંત અંબાણીના આર્થિક સહયોગથી શરૂ થયેલી આ ભોજન પ્રસાદ સેવા આગામી દિવસોમાં દ્વારકા આવતા હજારો યાત્રિકો માટે અસંખ્ય સુવિધાઓના દ્વાર ખોલી રહી છે.
