અનંત અંબાણીએ આપેલું વચન કર્યું પૂરું! તિરુમાલાના ભક્તો માટે દોડશે 25 અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસો

રિલાયન્સ ફાઉન્ડેશન અને Jio-bp દ્વારા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્‌ને 25 ઇલેક્ટ્રિક બસો અને ચાર્જિંગ સ્ટેશન ભેટમાં આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ બસોને ફ્લેગ ઓફ કરી.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 16 Sep 2026 07:17 PM (IST)Updated: Wed, 16 Sep 2026 07:17 PM (IST)
reliance-donates-25-electric-buses-to-ttd-for-green-tirumala

Electric Buses Tirumala: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સખાવતી સંસ્થા રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્‌ (TTD) ને 25 ઇલેક્ટ્રિક બસો અને તેનું સમર્પિત ચાર્જિંગ સ્ટેશન અર્પણ કરવામાં આવ્યું છે. આ પહેલથી તિરુમાલાની મુલાકાતે આવતા શ્રદ્ધાળુઓને વધુ સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ કાયમી પરિવહન વ્યવસ્થા ઉપલબ્ધ બનશે.

મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના હસ્તે બસોનું લોકાર્પણ

તિરુમાલા ખાતે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુના વરદ્ હસ્તે આ ઇલેક્ટ્રિક બસોને વિધિવત્ ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. આ બસોના ઉમેરાથી TTDના ગ્રીન મોબિલિટીના પ્રયાસોને વધુ વેગ મળશે અને પરંપરાગત ઇંધણથી ચાલતા વાહનો પરની નિર્ભરતા ઘટશે.

અનંત અંબાણીએ આપેલું વચન કર્યું પૂરું

જૂન 2026માં તિરુમાલાની મુલાકાત દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ પર્યાવરણને અનુકૂળ પરિવહન વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે 25 ઇલેક્ટ્રિક બસો આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી, જેને આજે તેમણે સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.

આ પહેલ અંગે વાત કરતાં અનંત અંબાણીએ જણાવ્યું હતું કે- દર વર્ષે ભગવાન વેંકટેશ્વરના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ તિરુમાલાની પવિત્ર પર્વતમાળાની મુલાકાત લે છે. તેમની યાત્રામાં સહયોગ આપવો અમારા માટે ગૌરવની સાથે જવાબદારી પણ છે. આ 25 ઇલેક્ટ્રિક બસો તિરુમાલાની યાત્રાને વધુ સુવિધાજનક બનાવવાના TTDના પ્રયાસોમાં અમારું નમ્ર યોગદાન છે, જે આ વિસ્તારની સમૃદ્ધ જૈવવિવિધતાના સંરક્ષણમાં પણ મદદરૂપ બનશે.

શ્રીવારી બ્રહ્મોત્સવ પૂર્વે ભક્તોને મોટી ભેટ

આગામી નજીકના સમયમાં જ તિરુમાલાના પવિત્ર મંદિરે બે મહત્વપૂર્ણ 'શ્રીવારી બ્રહ્મોત્સવમ્‌' યોજાવાના છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી અપેક્ષા છે. આ મહાન ઉત્સવ પૂર્વે જ ઇલેક્ટ્રિક બસો અર્પણ કરવામાં આવતા તેનું મહત્વ અનેકગણું વધી ગયું છે.

  • રિલાયન્સ ફાઉન્ડેશન અને Jio-bpનો સંયુક્ત સહયોગ
  • આ ઇલેક્ટ્રિક મોબિલિટી પહેલ રિલાયન્સ ફાઉન્ડેશન અને Jio-bpના સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે.
  • રિલાયન્સ ફાઉન્ડેશન: આર્થિક સહયોગ અને માળખાકીય વિકાસ પૂરો પાડ્યો છે.
  • Jio-bp: ઇલેક્ટ્રિક મોબિલિટી અને EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં પોતાની નિપુણતાનું યોગદાન આપ્યું છે.

બસોના સંચાલન માટે જરૂરી ચાર્જિંગ સુવિધાઓ ફાઉન્ડેશન અને TTD દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે, જેનાથી લાખો શ્રદ્ધાળુઓની પરિવહન જરૂરિયાતો સરળ બનશે.