Devbhoomi Dwarka News: આજ ભગવાન દ્વારકાધીશની નગરી દ્વારકાના આંગણે અનોખો ઇતિહાસ રચાયો છે. આ ઇતિહાસ આહીર સમાજ દ્વારા રચવામાં આવ્યો છે. એકસાથે 37 હજારથી વધુ આહિરાણીઓ દ્વારા દોઢ કલાક સુધી મહારાસ કરવામાં આવ્યો હતો. આ મહારાસ દરમિયાન આહીર સમાજના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. માયાભાઈ આહીર, સભીબેન આહીરના તાલે આ પારંપરિક રાસ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
દ્વારકા ખાતે આયોજીત આ મહારાસમાં ઉપસ્થિત રહેવા માટે રાજ્ય અને દેશના ખૂણે-ખૂણે વસેલા આહીર સમાજના ભાઈ-બહેનો તથા અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, દુબઇ અને સાઉથ આફ્રિકામાંથી પણ મોટી સંખ્યામાં આહીર બહેનો આવી પહોંચી હતી. શ્રીકૃષ્ણ યાદવ કુળની એકસાથે 37 હજાર આહિરાણીઓએ ગરબા લઇને રાસ સ્વરૂપે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કર્યા હતા. આજે વહેલી સવારે 5 વાગયે નંદગામ પરિસર ખાતે 37 હજાર આહિરાણીઓ ગ્રાઉન્ડમાં પહોંચી હતી.

કાર્યક્રમ દરમિયાન બ્રહ્માકુમારી દીદી દ્વારા વ્યાખ્યાન વાંચવામાં આવ્યું હતું. ત્યારબાદ ગ્રાઉન્ડની મધ્યમમાં ધર્મ ધ્વજા અને તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. પારંપરિક પહેરવેશ, માથે નવલખી ચૂંદડી અને ગળામાં સોનાના ઘરેણા ધારણ કરી 37 હજારથી વધુ આહિરાણીઓ મહારાસ લેવા મેદાનમાં આવી હતી. સવારે 10.30 વાગ્યાની આસપાસ રાસની શરૂઆત થઇ હતી અને આ રાસ સતત દોઢ કલાક સુધી ચાલ્યો હતો. 37 હજાર આહિરાણીઓએ દોઢ કલાક સુધી રાસ લઇને વિશ્વ રેકોર્ડ સર્જ્યો હતો.

મહારાસનું આયોજન જે સ્થળે કરવામાં આવ્યું હતું. તે 800 વીઘા વિસ્તારમાં ફેલાયેલું હતું. આ સ્થળને નંદધામ પરિસર આપવામાં આવ્યું છે. જ્યાં ડોમ, મંડપ, શામિયાણા, પાર્કિંગ, મોબાઇલ ટોઇલેટ, પ્રસાદ સહિતની તમામ સુવિધાઓ કરવામાં આવી હતી. અખીલ ભારતીય મહારાસ સંગઠન દ્વારા આ મહારાસને યાદગાર બનાવવા માટે ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

મહારાસની આગલી રાતે જાગરણ કરાયું હતું. માલદે આહીર દ્વારા લખાયેલી શ્રી કૃષ્ણની લીલાઓ પર નાટક રજૂ કરાયું હતું. સભીબેન આહીર દ્વારા વ્રજવાણી રાસ રજૂ કરવામાં આવ્યો હતો. કચ્છી બહેનો દ્વારા ભવ્ય બેડારાસ પ્રસ્તૃત કરવાામાં આવ્યો હતો. તેમજ લોકસાહિત્યકાર માયાભાઈ આહીર સહિતના આહીર સમાજના કલાકારો દ્વારા ડાયરાની રમઝટ બોલાવવામાં આવી હતી.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.