Saputara Monsoon Festival: પ્રકૃતિ, સંસ્કૃતિ અને આદિવાસી રોજગારીનો અદ્દભૂત ત્રિવેણી સંગમ એટલે 'સાપુતારા મોન્સૂન મહોત્સવ'

સાપુતારામાં મોન્સૂન મહોત્સવનો પ્રારંભ થયો છે, જે પ્રકૃતિ, આદિવાસી સંસ્કૃતિ અને સ્થાનિક રોજગારીનો ત્રિવેણી સંગમ છે. આ મહોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમો, હસ્તકળા અને સાહસિક પ્રવૃત્તિઓ દ્વારા આદિવાસી સમુદાયને આર્થિક રીતે સશક્ત બનાવે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 14 Aug 2026 05:27 PM (IST)Updated: Fri, 14 Aug 2026 05:27 PM (IST)
saputara-monsoon-festival-nature-culture-and-tribal-employment

Saputara Monsoon Festival: ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ખાતે પ્રકૃતિપ્રેમીઓ માટે આનંદના સમાચાર છે. ચોમાસાની ઋતુના આગમન સાથે જ સાપુતારા ખાતે ભવ્ય 'મોન્સૂન મહોત્સવ' નો પ્રારંભ થઈ ચૂક્યો છે.


આ મહોત્સવ માત્ર પ્રકૃતિની સુંદરતા માણવાનું કેન્દ્ર નથી બન્યો, પરંતુ તે પ્રકૃતિ, આદિવાસી સંસ્કૃતિ અને સ્થાનિક સ્તરે રોજગારીની તકો ઊભી કરતો એક અનોખો ત્રિવેણી સંગમ સાબિત થઈ રહ્યો છે. વાદળોની ચાદર ઓઢીને બેઠેલું સાપુતારા દેશ અને વિદેશના અસંખ્ય પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે.

સોળે કળાએ ખીલેલું પ્રકૃતિનું અદભુત સૌંદર્ય

ચોમાસાના દિવસોમાં સાપુતારાનું વાતાવરણ અત્યંત આહલાદક બની જાય છે. ચારેય તરફ પથરાયેલી હરિયાળી ઘાટીઓ, ગાઢ ધુમ્મસથી ઘેરાયેલી પહાડીઓ અને પહાડોમાંથી ધસમસતા વહેતા ઝરણાં પ્રવાસીઓને એક રોમાંચક અનુભવ પૂરો પાડે છે.

ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત આ મોન્સૂન મહોત્સવમાં રોજ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો, પરંપરાગત વાનગીઓ અને સ્થાનિક હસ્તકળાના પ્રદર્શનો મુખ્ય આકર્ષણ બન્યાં છે, જેને જોઈને અહીં આવતા દેશ-વિદેશના મુલાકાતીઓ મંત્રમુગ્ધ થઈ રહ્યા છે.

સ્થાનિક આદિવાસી મહિલાઓ અને કારીગરોનું આર્થિક સશક્તિકરણ

આ મહોત્સવ ડાંગ જિલ્લાના સ્થાનિક આદિવાસી સમુદાયના આર્થિક સશક્તિકરણનું એક મજબૂત માધ્યમ બન્યો છે. પ્રવાસન વિભાગ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) ના સંયુક્ત સહયોગથી સ્થાનિક આદિવાસી મહિલાઓએ વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓના સ્ટોલ શરૂ કર્યા છે.

આ ઉપરાંત વાંસકામ, પરંપરાગત મુખોટા અને સુંદર ભીંતચિત્રો બનાવતા આદિવાસી કારીગરોને પોતાના ઉત્કૃષ્ટ ઉત્પાદનોનું સીધું વેચાણ કરવા માટે એક ઉત્તમ મંચ મળ્યો છે, જેના કારણે તેમની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

સાહસ અને મનોરંજનના વિવિધ આકર્ષણો

સાપુતારાની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે મનોરંજન અને સાહસની અનેક પ્રવૃત્તિઓ ઉપલબ્ધ છે. પ્રવાસીઓ અહીં રોપ-વે સવારી, તળાવમાં નૌકાવિહાર (બોટિંગ), પહાડોમાં રોમાંચક ટ્રેકિંગ અને આદિવાસી કળાના જીવંત પ્રદર્શનોનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. પ્રવાસીઓની સતત વધતી સંખ્યાને લીધે સ્થાનિક વેપાર અને રોજગારીની નવી તકો ઊભી થઈ રહી છે. પ્રકૃતિ અને સાંસ્કૃતિક વિરાસતનો આ સમન્વય દરેક મુલાકાતીના મનમાં કાયમ માટે એક અવિસ્મરણીય અનુભવ બની જાય છે.