Saputara Monsoon Festival: દેશના 8 રાજ્યોના 300થી વધુ કલાકારો સાથે ડાંગમાં સર્જાઈ ભારતની સાંસ્કતિક એકતાની અનોખી ઝલક

'સાપુતારા મોન્સુન ફેસ્ટિવલ'ના ઉદ્ઘાટનપૂર્વે ગિરિમથકની ગરિમાને અનુરૂપ 'ફેસ્ટિવલ પરેડ' ને ફ્લેગ ઓફ કરાવતા નાયબ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 09 Aug 2026 06:00 AM (IST)Updated: Sun, 09 Aug 2026 06:00 AM (IST)
dang-news-grand-parade-folk-art-and-nature-blend-in-saputara-monsoon-festival
HIGHLIGHTS
  • સ્થાનિક કલાકારો માટે વિશાળ મંચ બન્યો સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ


Dang: ડાંગ જિલ્લાના પ્રખ્યાત પ્રવાસન સ્થળ સાપુતારા ખાતે આયોજિત 'સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ' (Saputara Monsoon Festival) પ્રવાસીઓ માટે માત્ર મનોરંજનનું માધ્યમ નહીં, પરંતુ દેશની વિવિધતામાં એકતાની ભાવનાને ઉજાગર કરતો સાંસ્કૃતિક મહોત્સવ બની રહ્યો છે.

આ ફેસ્ટિવલમાં દેશના વિવિધ રાજ્યોની લોકકલા અને સંસ્કૃતિ સાથે ડાંગની સમૃદ્ધ આદિવાસી લોકસંસ્કૃતિને એક જ મંચ પર રજૂ કરવામાં આવી રહી છે, ત્યારે ગિરિમથક ખાતે આયોજિત 'મોન્સુન ફેસ્ટિવલ'ના ઉદ્ઘાટનપૂર્વે ગિરિમથકની ગરિમાને અનુરૂપ 'ફેસ્ટિવલ પરેડ' ને ફ્લેગ ઓફ કરાવી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ ફરી એકવાર ગિરિમથકને ગરિમા બક્ષી હતી.

આવો રંગારંગ ઉત્સવ ડાંગના સ્થાનિક કલાકારો, લોકગાયકો, નૃત્યકારો તથા હસ્તકલાકારોને પણ પોતાની પ્રતિભા રજૂ કરવા માટે વિશાળ મંચ પૂરો પાડે છે. સ્થાનિક કલાકારોની કલા અને પરંપરાને પ્રોત્સાહન આપવાની સાથે તેમની પ્રતિભા ગુજરાતની સરહદો વટાવીને દેશના વિવિધ ખૂણાઓ સુધી પહોંચે તે માટે પણ આ ફેસ્ટિવલ મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યો છે.

આ વર્ષે સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલમાં દેશના આઠ રાજ્યોના 300થી વધુ કલાકારો તથા ગુજરાતના 110થી વધુ કલાકારો એક જ સ્થળે પોતાની કલા અને સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરી રહ્યા છે. વિવિધ રાજ્યોની લોકપરંપરા, સંગીત અને નૃત્યના રંગો સાથે ડાંગની આદિવાસી લોકકળાનો સુમેળ સાપુતારામાં 'એક ભારત–શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને સાકાર કરતું સુંદર સાંસ્કૃતિક દૃશ્ય સર્જી રહ્યો છે.

ફેસ્ટિવલને વધુ વ્યાપક અને પરિવારલક્ષી બનાવવા માટે આ વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે આર્ટ વિલેજ, નેચર ટ્રેલ્સ, બાળકો માટેની વિશેષ પ્રવૃત્તિઓ, આદિવાસી કલા-સંસ્કૃતિ, સ્થાનિક ભોજન, લોક સંસ્કૃતિ સહિતની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.

સાપુતારાની હરિયાળી પહાડીઓ, ચોમાસાની મનમોહક કુદરતી સુંદરતા અને વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો સંગમ પ્રવાસીઓને એક જ સ્થળે પ્રકૃતિ, કલા, સંસ્કૃતિ, પરંપરા અને મનોરંજનનો સંપૂર્ણ અનુભવ પૂરો પાડી રહ્યો છે.

આ ફેસ્ટિવલ ડાંગની સ્થાનિક કલા અને સંસ્કૃતિને નવી ઓળખ અપાવવાની સાથે સ્થાનિક કલાકારો, હસ્તકલાકારો અને પરંપરાગત કળા સાથે જોડાયેલા લોકોને પોતાની પ્રતિભા અને સર્જનાત્મકતાને વ્યાપક મંચ પર રજૂ કરવાની તક પૂરી પાડે છે. જેના પરિણામે સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ ડાંગના પ્રવાસન વિકાસ સાથે સ્થાનિક કલા અને સાંસ્કૃતિક વારસાના સંવર્ધન માટે પણ મહત્વપૂર્ણ બની રહ્યો છે.