Dang Road Accident: ડાંગ જિલ્લાના આહવા-વઘઈ રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બેકાબુ કાર રેલિંગ તોડીને નદીમાં ખાબકી છે. આ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના મોત નીપજ્યા છે, જ્યારે એકનો ચમત્કારિક બચાવ થયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, આજે વહેલી સવારે એક કાર પુરપાટ ગતિએ આહવા-વઘઈ રોડ પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન ભવડી ગામ નજીક અચાનક બેકાબુ બનેલી કાર રોડની રેલિંગ તોડીને 35 ફૂટ ઊંડી ખાપરી નદીમાં ખાબકી હતી.
આ પણ વાંચો
આ અકસ્માતની જાણ થતાં સ્થાનિકો ઉપરાંત વઘઈ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. જ્યાં ક્રેનની મદદથી કારને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના મોત નીપજ્યા છે, જેમના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે એક વ્યક્તિને રેસ્ક્યુ કરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં અકસ્માતનો ભોગ બનેલા ત્રણેય યુવકો મિત્રો હતો અને ગાંધીનગરથી આહવા તરફ આવી રહ્યા હતા. મૃતકોની ઓળખ ગાંધીનગર અધિક કલેક્ટર સંદિપ ડામોર, શૈલેષ ગરાસિયા (ડાંગ જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારી) તરીકે થઈ છે. જ્યારે બચાવી લેવામાં આવેલ વ્યક્તિની ઓળખ આણંદના નાયબ મામલતદાર સોનુ બારિયા તરીકે થઈ છે. હાલ તો આ સમગ્ર મામલે વઘઈ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
