Dang News: ડાંગમાં ચોમાસાની જમાવટ: પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી ઉઠી, ‘ભમ્ભાઈ’નો ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યો

ચોમાસાની શરૂઆત થતાની સાથે જ ડાંગ જિલ્લામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ધોધના રમણીય દ્રશ્યો અને આહલાદક વાતાવરણ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહ્યા છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 29 Jun 2025 08:07 PM (IST)Updated: Sun 29 Jun 2025 08:07 PM (IST)
dangs-monsoon-magic-bhambhai-waterfall-blooms-anew-557858

Dang News: ડાંગમાં ચોમાસાની શરૂઆત થતા જ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ડાંગ જિલ્લાના ચિંચલી ગામે આવેલો સહ્યાદ્રી પર્વતમાળાનો ‘ભમ્ભાઈ’ ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. લીલાછમ પહાડો અને ગાઢ જંગલો વચ્ચે આવેલો આ ધોધ કુદરતી સૌંદર્યનો અદ્ભુત નજારો જોવા મળે છે. ચોમાસામાં અહીંનું વાતાવરણ અત્યંત આહલાદક હોય છે, જે પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે તેવું હોય છે.

મંત્રમુગ્ધ કરી દે તેવો ભમ્ભાઈ ધોધનો નજારો

ભમ્ભાઈ ધોધ કુદરતી કરિશ્માનાં દ્રશ્યો પ્રતીત કરાવે છે, જ્યાં ખળખળ વહેતું પાણી અને પક્ષીઓનો કલરવ એક અનોખું વાતાવરણ સર્જે છે. આ ધોધની આસપાસનું દૃશ્ય પણ ચોમાસા દરમિયાન જોવાલાયક હોય છે. ચોમાસા દરમિયાન અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ આહલાદક નજારો નિહાળવા માટે આવતા હોય છે. વર્ષાઋતુમાં ખીલી ઉઠેલા ભમ્મઇ ધોધે પ્રવાસીઓમાં આકર્ષણ જમાવ્યું છે.

ગીરા ધોધ જોઇ પ્રવાસીઓ મંત્રમુગ્ધ બન્યા

ચોમાસાની શરૂઆત થતાની સાથે જ ડાંગ જિલ્લામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. રાજ્યના વિવિધ ભાગોમાંથી પ્રવાસીઓ કુદરતી સૌંદર્યનો અનુભવ કરવા માટે ડાંગની મુલાકાતે આવી રહ્યા છે. અંબિકા નદી પર આવેલો ગીરા ધોધ પ્રવાસીઓને મોહી લીધા છે. ધોધના રમણીય દ્રશ્યો અને આહલાદક વાતાવરણ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહ્યા છે.

પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી

સાપુતારામાં પણ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. ધીમી ધારે વરસતા વરસાદમાં પ્રવાસીઓએ બોટિંગ, રોપવે અને અન્ય પ્રવૃત્તિઓનો આનંદ માણ્યો હતો. વરસાદી વાતાવરણ અને ધુમ્મસભર્યા દ્રશ્યોએ પ્રવાસીઓના મન મોહી લીધા હતા. આ ઉપરાંત, ઇકો ટુરિઝમ સાઇટ શબરીધામ અને અંજનકુંડ જેવા ડાંગના અન્ય પ્રવાસન સ્થળોએ પણ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. સ્થાનિક વેપારીઓ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાથી ખુશખુશાલ જોવા મળ્યા હતા.

26 જુલાઈથી સાપુતારામાં મેઘ મલ્હાર પર્વની ઉજવણી

ડાંગ જિલ્લાનું ગિરિમથક સાપુતારા ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠે છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે સાપુતારા એક સ્વર્ગ સમાન છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.26 જુલાઈથી 17 ઓગસ્ટ 2025 સુધી સાપુતારામાં મેઘ મલ્હાર પર્વની ઉજવણી થશે.

જેમાં સંગીત, સ્વાદ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ જોવા મળશે. આ ફેસ્ટિવલમાં ડાંગના સ્વાદિષ્ટ વ્યંજનોનો આનંદ માણી શકાશે. સાપુતારાની આસપાસ આવેલા ધોધની મુલાકાત પણ લઈ શકાય છે. રહેવા માટે અહીં આરામદાયક ઇકો કેમ્પની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ટ્રેકિંગ, સાયકલિંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.