Saputara Monsoon Festival 2026: 29 ઓગસ્ટ સુધી પ્રકૃતિ, સંસ્કૃતિ, સાહસિક પ્રવૃતિઓ અને લોકકલાના રંગોથી મહેકશે ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 'સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ 2026'નો ભવ્ય પ્રારંભ- કહ્યું- 'સાપુતારા માત્ર હિલ સ્ટેશન નહીં, પરંતુ ડાંગની આદિવાસી સંસ્કૃતિ અને પ્રકૃતિની જીવંત ઓળખ છે'

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 08 Aug 2026 03:26 PM (IST)Updated: Sat, 08 Aug 2026 03:26 PM (IST)
dang-news-saputara-monsoon-festival-2026-inaugurated-by-deputy-cm-harsh-sanghvi
HIGHLIGHTS
  • પ્રવાસન માત્ર પ્રવાસ નહીં, પરંતુ સ્થાનિક અર્થતંત્ર અને રોજગારીનું મજબૂત માધ્યમ છે

Dang News: ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ખાતે પ્રકૃતિ અને સંસ્કૃતિના સંગમ સમાન ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ-2026’ નો (Saputara Monsoon Festival 2026) આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આગામી 29 ઓગસ્ટ, 2026 સુધી ચાલનારા આ મહોત્સવ દરમિયાન પ્રકૃતિ, સંસ્કૃતિ, રોમાંચક આઉટડોટ સાહસિક પ્રવૃત્તિઓ અને લોકકલાના વૈવિધ્યસભર સાથે સ્થાનિક વ્યંજનો અને નેચર ટ્રેઇલ કાર્યક્રમો દ્વારા પ્રવાસીઓને અનોખો અનુભવ કરાવવામાં આવશે.

મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ થીમ આધારિત પરેડ, સાંસ્કૃતિક અને સંગીતમય કાર્યક્રમો, ક્રાફ્ટ અને આદિવાસી કલા વર્કશોપ, નેચર ટ્રેઇલ, સાહસિક પ્રવૃત્તિઓ, સ્થાનિક વ્યંજનો, રેઇન ડાન્સ, સેલ્ફી પોઈન્ટ સહિત પરિવારના દરેક સભ્ય માટે મનોરંજન અને અનુભવ આધારિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

અંબાલાલ પટેલની આગાહીઃ આજથી ગુજરાતમાં મેઘાવી માહોલ જામશે, સાયક્લોનિક સર્ક્યુલેશન રચાતા 12 ઓગસ્ટ સુધી વરસાદની શક્યતા

ઉદ્ઘાટન પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સાપુતારા માત્ર ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન જ નહીં, પરંતુ ડાંગની સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિ, કુદરતી વૈવિધ્યતા અને હરિયાળી ઓળખનું પ્રતિક છે. ચોમાસામાં અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય અનેકગણું ખીલી ઊઠે છે અને દેશભરના પ્રવાસીઓને આકર્ષે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @2047’ના વિઝનને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પ સાથે પ્રવાસન ક્ષેત્રને વિકાસનું મહત્વપૂર્ણ એન્જિન બનાવી રહી છે.

પ્રવાસન માત્ર હરવા-ફરવાનો વિષય નથી, પરંતુ સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવતું અને રોજગારી, સ્વરોજગારી સર્જતું શક્તિશાળી માધ્યમ છે. સાપુતારાની મુલાકાતે આવતા પ્રવાસીઓથી હોટેલ ઉદ્યોગ, ટેક્સીચાલકો, સ્થાનિક ગાઈડ, મહિલા સ્વસહાય જૂથો, હસ્તકલાકારો, ખેડૂતો તથા નાના વેપારીઓને સીધો લાભ મળે છે. આ ફેસ્ટિવલ સ્થાનિક કલાકારો, લોકગાયકો, નૃત્યકારો અને હસ્તકલાકારોને પોતાની પ્રતિભા રજૂ કરવા માટે વિશાળ મંચ પણ પૂરું પાડે છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, વર્ષ 2025ના સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન અંદાજે 2.61 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. ગત વર્ષે 1.43 લાખથી વધુ પ્રવાસીઓએ બોટિંગનો આનંદ માણ્યો હતો, જ્યારે અંદાજે 290 સ્ટોલ્સ દ્વારા સ્થાનિક હસ્તકલા અને પરંપરાગત ઉત્પાદનોના વેચાણથી આશરે રૂ. 1.57 કરોડની આવક થઈ હતી, જેના કારણે સ્થાનિક વેપારીઓ અને કારીગરોને નોંધપાત્ર આર્થિક લાભ મળ્યો હતો.

ગુજરાત સરકાર સાપુતારાને વિશ્વસ્તરીય મોન્સૂન અને ઇકો-ટૂરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવા પ્રતિબદ્ધ હોવાનું જણાવતાં તેમણે કહ્યું કે, પ્રવાસન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જાહેર સુવિધાઓ, સૌંદર્યકરણ, વે-સાઇનેજ અને અનુભવ આધારિત વિકાસના વિવિધ કાર્યો સતત હાથ ધરવામાં આવી રહ્યા છે. તેમણે ડાંગના આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, માર્ગ, પાણી અને વીજળી જેવી પાયાની સુવિધાઓમાં થયેલા વિકાસનો પણ ઉલ્લેખ કર્યો હતો.

રાજ્યના પ્રવાસન મંત્રી જયરામ ગામીતે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે, વર્ષ 2009માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલો સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ આજે ડાંગની આદિવાસી સંસ્કૃતિ, લોકકલા અને હસ્તકલાને દેશ-વિદેશ સુધી પહોંચાડવાનું અસરકારક માધ્યમ બન્યો છે. આ ફેસ્ટિવલના કારણે સ્થાનિક કલાકારો, મહિલાઓ, હોટેલ વ્યવસાય, પરિવહન ક્ષેત્ર અને નાના વેપારીઓને રોજગારી તથા આવકની નવી તકો મળી રહી છે.

2025માં 14.67 લાખ પ્રવાસીઓએ સાપુતારાની મુલાકાત લીધી


તેમણે જણાવ્યું કે, વર્ષ 2025 દરમિયાન આશરે 14.67 લાખ પ્રવાસીઓએ સાપુતારાની મુલાકાત લીધી હતી, જે તેની વધતી લોકપ્રિયતાનું પ્રતિબિંબ છે. ‘ગુજરાત પ્રવાસન વર્ષ’ અંતર્ગત પ્રવાસન, યાત્રાધામો અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રના વિકાસ માટે રૂ. 3,090 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેના પરિણામે સ્થાનિક યુવાનો માટે રોજગારી અને સ્વરોજગારની નવી તકો ઊભી થશે.

તેમણે સૌને પરિવાર સાથે સાપુતારાની મુલાકાત લઈને અહીંની પ્રાકૃતિક હરિયાળી, આદિવાસી સંસ્કૃતિ અને ફેસ્ટિવલના વિવિધ કાર્યક્રમોનો આનંદ માણવા અપીલ કરી હતી.

ઉદ્ઘાટન સમારોહ બાદ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 13 રાજ્યોના 110 કલાકારો દ્વારા નેશનલ એવોર્ડી કોરિયોગ્રાફી આધારિત નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું, જ્યારે સ્થાનિક કલાકારોએ પરંપરાગત ડાંગી નૃત્યની મનમોહક રજૂઆત કરીને ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા.