અંબાલાલ પટેલની આગાહીઃ આજથી ગુજરાતમાં મેઘાવી માહોલ જામશે, સાયક્લોનિક સર્ક્યુલેશન રચાતા 12 ઓગસ્ટ સુધી વરસાદની શક્યતા

અંબાલાલ પટેલની આગાહી મુજબ, 8 થી 12 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામશે, ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આ વરસાદ આવશે, જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રને હજુ પણ ભારે વરસાદની રાહ જોવી પડશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 08 Aug 2026 12:00 AM (IST)Updated: Sat, 08 Aug 2026 12:00 AM (IST)
ambalal-patel-rain-forecast-rainfall-likely-until-august-12-due-to-the-cyclonic-circulation

Ambalal Patel Rain Forecast: જુલાઈના અંતમાં મેઘરાજાની ધોધમાર બેટિંગ જોવા મળી હતી, જેના કારણે ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં મેઘતાંડવ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતુ.

જો કે છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો છે. જેના પરિણામે અમદાવાદ સહિતના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે લોકોને ગરમી અને બફારાનો બેવડો માર પડી રહ્યો છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આજથી રાજ્યમાં ફરી મેઘમહેરના સંકેત આપ્યા છે.

સાયક્લોનિક સર્ક્યુલેશન રચાતા વરસાદની સંભાવના

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, હાલ ગુજરાત ઉપર વરસાદની કોઈ મોટી સિસ્ટમ સક્રિય નથી. આમ છતાં બંગાળના ઉપસાગરનો ભેજ, અરબ સાગરનો ભેજ તેમજ ઉત્તર ભારતમાંથી આવતા પ્રવાહના કારણે સાયક્લોનિક સર્કયુલેશન રચાતા ગુજરાતમાં 8 થી 12 ઓગસ્ટ દરમિયાન વરસાદી માહોલ જામી શકે છે.

ખાસ કરીને આજે અને કાલે એટલે કે 8 અને 9 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર વધારે રહેશે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ થરાદ, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ અને મહેસાણામાં વરસાદ પડી શકે છે. જે પૈકી સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં વરસાદની તીવ્રતા વધારે રહેશે. જ્યાં 3 ઈંચ કે તેથી વધુ વરસાદ વરસી શકે છે.

આવી જ રીતે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા વરસી શકે છે. અહીં 3 થી 4 ઈંચ કે કોઈ-કોઈ ભાગમાં 4 ઈંચથી વધુ વરસાદ વરસી શકે છે. જેના પરિણામે તાપી નદીનું જળસ્તર વધશે. 8 થી 5 ઓગસ્ટના 5 દિવસ દરમિયાન મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના પણ કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા વરસી શકે છે.

જ્યારે 15 ઓગસ્ટની આસપાસ મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ પડવાથી નર્મદાનું જળસ્તર વધી શકે છે. જ્યારે અત્યાર સુધી વરસાદથી વંચિત રહેલા પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોને હજુ પણ ભારે વરસાદ માટે રાહ જોવી પડશે.

ગુજરાતમાં સિઝનનો સરેરાશ 70 ટકા વરસાદ વરસી ચૂક્યો

ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 636.7 મી.મી (70 ટકા) વરસાદ વરસી ચૂક્યો છે. જે સામાન્ય (425.3 મિ.મી)ની સરખામણીમાં 211.4 મિ.મી વધારે છે. ગત વર્ષે આજ સમયગાળામાં કુલ 562.99 મિ.મી. વરસાદ નોંધાયો હતો.