દાહોદ-મહીસાગરમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ: વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બંધ, જગતનો તાત ચિંતાતુર

આગામી 24 કલાક કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટા પડવાની સંભાવના છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 05 May 2026 10:43 AM (IST)Updated: Tue, 05 May 2026 10:43 AM (IST)
unseasonal-rains-in-dahod-mahisagar-gujarat-weather-update-farmers-worried
HIGHLIGHTS
  • દાહોદ-મહીસાગરના વાતાવરણમાં પલટો
  • ગાજવીજ સાથે કમોસમી વરસાદ નોંધાયો

Gujarat Unseasonal Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના પૂર્વ પટ્ટીના જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. દાહોદ અને મહીસાગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. એક તરફ લોકોને આકરા તાપથી આંશિક રાહત મળી છે, તો બીજી તરફ ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

દાહોદમાં ગાજવીજ-વાવાઝોડા સાથે વરસાદ

દાહોદ શહેરમાં આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું, અને અચાનક વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. વિશેષ કરીને લીમડી તાલુકાના મીરાખેડી ગામે વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા, જેનાથી વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

naidunia_image

વૃક્ષ ધરાશાયી થતા બલૈયા-ફતેપુરા માર્ગ બંધ

દાહોદ પંથકમાં ફૂંકાયેલા તેજ પવન અને વાવાઝોડાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. બલૈયા-ફતેપુરા માર્ગ પર કાંકસીયા પીકઅપ સ્ટેશન નજીક એક વિશાળ વૃક્ષ ધરાશાયી થઈને રસ્તાની વચ્ચે પડતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. માર્ગની બંને બાજુએ વાહનોની લાંબી કતારો લાગી હતી અને ચાલકોને વૈકલ્પિક રસ્તાઓ શોધવા પડ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા રસ્તો ખુલ્લો કરવા તાત્કાલિક વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

naidunia_image

મહીસાગરમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની અસર

મહીસાગર જિલ્લામાં પણ વહેલી સવારથી વાતાવરણ પલટાયું હતું. કડાણા તાલુકાના ગુજરાત-રાજસ્થાન સરહદના ગામોમાં તેમજ ખાનપુર પંથકમાં હળવા વરસાદી છાંટા પડ્યા હતા, જેને તંત્ર પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જોઈ રહ્યું છે.

naidunia_image

ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ

આ કમોસમી વરસાદથી સામાન્ય લોકોને ઉકળાટમાંથી રાહત મળી છે, પરંતુ ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે. ઉનાળુ પાક અને ખાસ કરીને શાકભાજીના વાવેતરને આ માવઠાથી નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે. ખેડૂતોને ડર છે કે જો વરસાદનું જોર વધશે તો તૈયાર થયેલા પાકની ગુણવત્તા બગડી શકે છે અને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા તંત્રને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે, કારણ કે આગામી 24 કલાક દરમિયાન હજુ પણ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે.