Dahod News: દાહોદ તાલુકાના બોરડી ઈનામી ગામે પેટ્રોલ પંપ નજીક બે મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં બે આશાસ્પદ યુવકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ચાર યુવકો ગંભીર રીતે ઘવાય હોવાની દુઃખદ ઘટના સામે આવી છે.
મળતી વિગતો અનુસાર, પૃથ્વીભાઈ રમેશભાઈ પસાયા નામના યુવકે પોતાની બાઇક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવ્યો હતો. દરમિયાન, બોરડી ઈનામી ગામના પેટ્રોલ પંપથી થોડે દૂર સામેથી આવી રહેલી ઉમેદભાઈ મકવાણાની બાઇક સાથે તેમની બાઇક ધડાકાભેર અથડાઈ હતી. આ સામસામેની ટક્કર એટલી જોરદાર હતી કે બંને બાઇકના ચાલકો અને સવારો રોડ પર પટકાયા હતા.
આ ગમખ્વાર માર્ગ દુર્ઘટનામાં ઉમેદભાઈ મકવાણા અને અક્ષયભાઈ મહેન્દ્રભાઈ કળમીને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક પર સવાર અન્ય ચાર યુવકો રાધેભાઈ રાજેશભાઈ ભુરીયા, વિક્રમભાઈ મુકેશભાઈ દેવધા, પૃથ્વીભાઈ પસાયા અને હર્ષિતભાઈ અલ્કેશ મોરીને નાની-મોટી તથા ગંભીર ઈજાઓ થઈ હતી.
અકસ્માતની જાણ થતાં જ કાતવારા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે ચારેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ સાથે જ પોલીસે બંને મૃતકોના મૃતદેહોનો કબજો મેળવી, પંચનામાની કામગીરી આટોપીને પોસ્ટમોર્ટમ અર્થે ઝાયડસ હોસ્પિટલ મોકલી આપ્યા હતા. અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.
