Dahod: રળિયાતી રોડ પર ભયાનક અકસ્માત, સાઈન બોર્ડ સાથે બાઈક અથડાતા બે યુવકોના મોત

દાહોદ ગ્રામ્ય પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 07 Mar 2026 11:17 AM (IST)Updated: Sat, 07 Mar 2026 11:17 AM (IST)
dahod-accident-on-raliyati-road-two-boy-die-after-bike-collides-with-sign-board
HIGHLIGHTS
  • રળિયાતી રોડ પર મોડી રાત્રે ગંભીર માર્ગ અકસ્માત 
  • બે યુવાનોની બાઈક સાઈન બોર્ડ સાથે અથડાઈ હતી  
  • અકસ્માત બાદ બંને યુવકોએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો

Dahod road accident: દાહોદ જિલ્લામાં રળિયાતી રોડ પર મોડી રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશ તરફથી દાહોદ તરફ આવી રહેલા બે યુવકોની બાઈક સાઈન બોર્ડ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, બંને યુવક ફંગોળાઈ ગયા અને તેમણે ઘટનાસ્થળે જ દમ તોડ્યો. 

સાઈન બોર્ડ સાથે અથડાયું બાઈક

પ્રાપ્ત માહિતી મુજબ, મધ્યપ્રદેશ તરફથી બે યુવકો બાઇક પર દાહોદ તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન બાઈક પૂરપાટ ઝડપે દોડતી હોવાને કારણે તેઓ બાઈક પરનો કાબૂ ગુમાવી બેઠા હતા. પરિણામે બાઈક રોડ સાઇડ પર લગાવવામાં આવેલા સાઈન બોર્ડ સાથે જોરદાર અથડાઈ હતી.

બંને યુવક ફંગોળાતા ઈજાગ્રસ્ત થયા

અથડામણ એટલી જોરદાર હતી કે બાઈકનો આગળનો ભાગ સંપૂર્ણપણે નુકસાન પામ્યો અને બંને યુવકોને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતનો અવાજ સાંભળતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને તરત જ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ દાહોદ ગ્રામ્ય પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો.

બંને યુવકે ઘટનાસ્થળે જ દમ તોડ્યો 

પોલીસે સ્થળ પર પહોંચીને સમગ્ર પરિસ્થિતિની તપાસ હાથ ધરી હતી. તપાસ કરતા બંને યુવકોના મોત નિપજ્યા હોવાની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ પોલીસ દ્વારા મૃતક યુવકોની ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી અને તેમના પરિવારજનોને આ દુઃખદ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

મૃતકના પરિવારજનોનું કરુણ આક્રંદ

મૃતક યુવકોના પરિજનોને જાણ થતાં તેઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોતાના સ્વજનોના મોતના સમાચાર સાંભળતા જ પરિવારજનોમાં કરુણ આક્રંદ મચી ગયો હતો. સમગ્ર દ્રશ્ય જોઈ ત્યાં હાજર લોકો પણ ભાવુક બની ગયા હતા. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી બંને યુવકોના મૃતદેહોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ અર્થે દાહોદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. હાલ દાહોદ ગ્રામ્ય પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.