Kharsana Primary School: દાહોદ જિલ્લાના ખરસાણા ગામની પ્રાથમિક શાળાનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં શાળા તરફથી સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની માર્કશીટમાં મોટો છબરડો કરવામાં આવ્યો હતો. કટારા વંશી મનીષભાઈ ને બે વિષયમાં કુલ માર્ક્સ કરતા વધુ માર્ક આપી દેવામાં આવ્યા હતા. કિસ્સો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે તે પોતાનું રિઝલ્ટ લઈને ઘરે પહોંચી હતી.
માર્કશીટ વાલીના હાથમાં આવતા તેને તરત જ શાળાએ જઈને આ બાબતે માહિતગાર કર્યા હતા. ત્યાર બાદ સ્કૂલ તરફથી પરિણામમાં સુધારો કરીને ફરીથી બનાવી આપવામાં આવ્યું હતું. પરંતુ નવી માર્કશીટ મળે તે પહેલાં જ જૂની માર્કશીટના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ચૂક્યા હતા. વાયરલ થયેલી માર્કશીટમાં બે વિષયમાં 200 ગુણમાંથી ગણિતમાં 211 અને ગુજરાતીમાં 212 ગુણ આપવામાં આવ્યા હતા. સુધારેલ માર્કશીટમાં તેને ગુજરાતીમાં 200માંથી 191 અને ગણિતમાં 190 માર્કસ મળ્યા છે.
આ માર્કશીટ વાયરલ થયા પછી જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ હાથ ધરી હતી. શાળાની આ ભૂલ પર શિક્ષણ વિભાગે સત્તાવાર નિવેદન પણ આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, પરિણામ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ બાબત પ્રિન્સિપાલના ધ્યાન પર આવી હતી. મળતી માહિતી પ્રમાણે, આ પરિણામ આસિસ્ટન્ટ શિક્ષક દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. તેને પ્રથમ વખત પરિણામ બનાવ્યું હોવાના કારણે ભૂલ થઇ હોવાનું સ્વીકાર્યું છે. આ મામલાની તપાસ પૂર્ણ થયા બાદ ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ સોંપવામાં આવશે.
